OFFBEAT 16 | ધર્મ – હોળાષ્ટક | VR LIVE

0
243

હોળીનો તહેવાર એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. જે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક શરુ થાય છે અને ફાલ્ગુન પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે. હોળાષ્ટક પણ આ દિવસે પૂર્ણ થાય છે. વર્ષ 2023 માં હોલિકા દહન 7 માર્ચ, 2023 ના રોજ કરવામાં આવશે, જ્યારે રંગો સાથેની હોળી એટલે ધૂળેટી 8 માર્ચે રમવામાં આવશે. હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક ૨૭મી ફેબ્રુઆરીના સૂર્યોદયથી શરૂ થશે અને પૂર્ણિમાના દિવસે એટલે ૭ માર્ચે  સમાપ્ત થશે. આ વખતે હોળાષ્ટક ૮ને બદલે ૯ દિવસ માટે છે અને તેનું કારણ એકાદશી તિથિ છે જે બે દિવસે આવે છે. આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ સમયે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. કોઇપણ પ્રકારના અશુભ પ્રભાવથી બચવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તે જ દિવસે મકર રાશી છોડીને બુધ સાંજે ૪.૪૬ કલાકે કુંભ રાશીમાં પ્રવેશ કરશે.

હોળાષ્ટક દરમિયાન આ કામ ન કરવા

  • ધાર્મિક માન્યતા છે કે હોળાષ્ટક દરમિયાન મુંડન, વિવાહ, નામકરણ, અન્નપ્રશાન સહિત ૧૬ વિધિઓમાં કોઈપણ આ ૮ દિવસોમાં ન કરવું જોઈએ.
  • જો તમારે નવું વાહન ખરીદવું હોય તો હોળાષ્ટક પહેલા તેનું બુકિંગ કરો, પરંતુ હોળાષ્ટક દરમિયાન ન કરો. આ પછી હોળી પર વાહન ઘરે લાવો.
  • આ સમય દરમિયાન કોઈ નવો ધંધો ન કરો. હોળાષ્ટક ના દિવસોમાં મોટાભાગના ગ્રહો ઉગ્ર સ્થિતિમાં હોય છે, આવી સ્થિતિમાં તેમનો સહયોગ મળતો નથી. જેના કારણે ધંધામાં નુકશાન થાય છે.
  • હોળાષ્ટક દરમિયાન કોઈ મકાન કે પ્લોટ ની નોંધણી કરાવવી નહી.
  • જો તમે પહેલાથી જ હોળાષ્ટકથી ઘર બનાવવાનું કામ કરી રહયા છો, તો તેને ચાલુ રાખવા દો પરંતુ તેની શરૂઆત હોળાષ્ટકથી ન કરવી.
  •  

હોળાષ્ટકમાં શુભ કામ કેમ ન કરવું જોઈએ? હોળાષ્ટક ને લઈને એવી માન્યતા છે કે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી ૮ ગ્રહો ઉગ્ર રહે છે. સૂર્ય,ચંદ્ર,શનિ,શુક્ર,ગુરુ,બુધ,મંગળ અને રાહુનો ઉગ્ર ગ્રહ માં સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ ગ્રહોની ઉગ્રતાના કારણે શુભ કાર્યો પર નકારાત્મક અસર પડી શકે છે. આ કારણે શુભ કાર્યો થતા નથી.

હોળાષ્ટક વિષે એવી માન્યતા પ્રચલિત છે કે રાજા હરીન્યકશ્યપ પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ થી દુર કરવા માંગતા હતા. તેણે ૮ દિવસ સુધી પ્રહલાદને ત્રાસ આપ્યો આ પછી આઠમા દિવસે બહેન હોલિકાના ખોળામાં બેસીને પ્રહલાદને અગ્નિદાહ આપવામાં આવ્યો, પરંતુ તેમ છતાં ભક્ત પ્રહલાદ ને કઈ થયું નહિ, હોળીનો તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને.

જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રધ્ધા હતી તેથી તે પોતાની ભક્તિથી ડગમગાયા વગર વિષ્ણૂની જ પૂજા કરતો.  બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો.

તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવટે તે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવવામાં આવે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.