HomeDeshNEET-UG Re-Exam: ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; ડ્રોન-CCTVથી લાઈવ મોનિટરિંગ,...

NEET-UG Re-Exam: ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; ડ્રોન-CCTVથી લાઈવ મોનિટરિંગ, રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો

NEET-UG Re-Exam: ગયા મહિને ૩ મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આવતીકાલે ૨૧મી જૂન (રવિવાર) ના રોજ દેશભરમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપરીક્ષામાં દેશભરમાંથી ૨૨ લાખ અને એકલા ગુજરાતમાંથી ૭૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પેપર લીકની ઘટના બાદ આ વખતે વહીવટી તંત્ર અને સરકારની પણ આકરી પરીક્ષા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા અને વ્યાપક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

NEET-UG Re-Exam

NEET-UG Re-Exam: પરીક્ષાની મુખ્ય હાઈલાઈટ્સ (નજર એક નજરે)

  • કુલ વિદ્યાર્થીઓ: દેશભરમાં ૨૨ લાખ, ગુજરાતમાં ૭૯,૦૦૦+
  • પરીક્ષાનો સમય: બપોરે ૦૨:૦૦ થી સાજે ૦૫:૧૫ સુધી (એન્ટ્રી: સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૩૦ સુધી)
  • સુરક્ષા: ડ્રોન કેમેરા, લાઈવ CCTV મોનિટરિંગ અને એરફોર્સ-CISFના જવાનોની દેખરેખ.
  • મુસાફરી સુવિધા: પશ્ચિમ રેલવે દ્વારા ૩ ખાસ સ્પેશિયલ ટ્રેનો અને સ્ટેશનો પર હેલ્પડેસ્ક.
NEET-UG Re-Exam

NEET-UG Re-Exam: ગુજરાતના મુખ્ય શહેરોમાં તંત્રની સજ્જતા

૧. અમદાવાદ: ૨૩ કેન્દ્રો પર ૧૦,૪૪૫ પરીક્ષાર્થીઓ (ડ્રોનથી નજર)

અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે. કંટ્રોલ રૂમના DCP રીમા મુન્સીના જણાવ્યા મુજબ, તમામ ૨૩ કેન્દ્રોનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરાશે. પેપર લાવવા-લઈ જવા માટે ખાસ પોલીસ એસ્કોર્ટ અપાશે. કેન્દ્રોની બહાર ૮ ડ્રોન કેમેરા અને ‘મૂવિંગ નિર્ભયા સ્ક્વોડ’ ના CCTVથી બાજ નજર રખાશે. સોશિયલ મીડિયા પર અફવાઓ રોકવા સાયબર ક્રાઈમ પણ સક્રિય છે. કોઈ પણ મુશ્કેલી માટે વિદ્યાર્થીઓ 07925630100 અને 200 પર સંપર્ક કરી શકે છે.

૨. રાજકોટ: ૧૨ કેન્દ્રો પર ૫,૩૩૦ વિદ્યાર્થીઓ (એરફોર્સ-CISF તૈનાત)

રાજકોટમાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. એડિશનલ કલેક્ટર જે.એચ. બારોટે જણાવ્યું કે, પ્રશ્નપત્રો ડિજિટલ લોકમાં એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે લવાયા છે. પેપર ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી CISF અને સ્થાનિક પોલીસ સંભાળશે. દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ રહેશે. પરીક્ષા દરમિયાન વીજ કાપ ન આવે તે માટે PGVCLને પણ સૂચના અપાઈ છે.

૩. સુરત અને વડોદરા: હાઈ-સિક્યોરિટી ઝોન

  • સુરત: ૨૨ કેન્દ્રો પર ૧૦,૩૦૧ ઉમેદવારો પરીક્ષા આપશે. વહીવટી તંત્ર દ્વારા ૨૨ રૂટ નક્કી કરીને સુચારૂ આયોજન કરાયું છે.
  • વડોદરા: ૧૭ કેન્દ્રો પર ૬,૦૪૮ વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક અગાઉથી જ તમામ સેન્ટરોને હાઈ-સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવાયા છે.

NEET-UG Re-Exam: NTAની નવી માર્ગદર્શિકા: ડ્રેસ કોડમાં મહત્વનો ફેરફાર

આ વખતે NTA એ સુરક્ષા વધારવાની સાથે વિદ્યાર્થીઓની ધાર્મિક આસ્થાઓનું પણ ધ્યાન રાખ્યું છે. જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ:

ધાર્મિક પ્રતીકોને મંજૂરી: પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક વસ્તુઓ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, આવા ઉમેદવારોની સઘન તપાસ કરવાની હોવાથી તેમને કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવાની સલાહ અપાઈ છે. કેન્દ્રમાં મેટલ ડિટેક્ટરથી ચેકિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ મળશે. બપોરે ૦૧:૩૦ વાગ્યા પછી કોઈને પણ પ્રવેશ મળશે નહીં.

NEET-UG Re-Exam

NEET-UG Re-Exam: વિદ્યાર્થીઓ માટે રેલવે અને એસટીની વિશેષ સુવિધા

પરીક્ષાર્થીઓને સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમને વધારાની બસો દોડાવવા આદેશ અપાયા છે. જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે ૩ જોડી નીટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે: ૧. મણિનગર – બાંદ્રા ટર્મિનસ ૨. ઓખા – ગાંધીનગર કેપિટલ (૨૦ જૂને ઓખાથી અને ૨૧ જૂને ગાંધીનગરથી) ૩. ભાવનગર ટર્મિનસ – ગાંધીગ્રામ

વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર સ્પેશિયલ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. ભીડને પહોંચી વળવા વડોદરામાં ૩ અને આણંદ, ગોધરા, ભરૂચ, નડિયાદમાં ૧-૧ વધારાના UTS ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.

NEET-UG Re-Exam: પરીક્ષાનું માળખું (Exam Pattern)

NEET (UG)-2026 પરીક્ષા કુલ ૧૮૦ પ્રશ્નો અને ૭૨૦ ગુણની રહેશે:

  • ભૌતિકશાસ્ત્ર (Physics): ૪૫ પ્રશ્નો (૧૮૦ ગુણ)
  • રસાયણશાસ્ત્ર (Chemistry): ૪૫ પ્રશ્નો (૧૮૦ ગુણ)
  • જીવવિજ્ઞાન (Biology): ૯૦ પ્રશ્નો (૩૬૦ ગુણ)
  • નેગેટિવ માર્કિંગ: દરેક સાચા જવાબના ૪ ગુણ મળશે, જ્યારે દરેક ખોટા જવાબ દીઠ ૧ ગુણ કાપી લેવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

છોટાઉદેપુર બ્રેકિંગ પાવી જેતપુરના રતનપુરમાં ૧૧ વર્ષની બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments