Modi in Malaysia:મલેશિયામાં મોદી મેજિક PM ઇબ્રાહિમે પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર કર્યું સ્વાગત, પોતાની કારમાં પીએમને બેસાડ્યા.

0
127
Modi in Malaysia

Modi in Malaysia:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આઠ વર્ષ બાદ બે દિવસની સત્તાવાર મુલાકાતે મલેશિયા પહોંચ્યા છે. તેમને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે વિશેષ સન્માન આપ્યું હતું. અનવર ઇબ્રાહિમ પોતે એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને આવકારવા ગયા હતા અને તેમને પોતાની કારમાં બેસાડી કુઆલાલંપુર લઈ ગયા હતા.

Modi in Malaysia

આ અંગે ભારતીય સમુદાયને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “PM અનવર ઇબ્રાહિમ પોતે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા આવ્યા, તેમણે મને પોતાની કારમાં બેસાડ્યો અને પોતાની સીટ પર પણ બેસાડ્યો. આ ખાસ સન્માન ભારત અને ભારતીયો પ્રત્યેના તેમના પ્રેમ અને આદરને દર્શાવે છે.”

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2026માં આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેમણે કહ્યું કે, “ગયા વર્ષે ASEAN સમિટ માટે હું મલેશિયા આવી શક્યો ન હતો, પરંતુ મેં મારા મિત્ર અનવર ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે હું ટૂંક સમયમાં આવીશ. આજે હું મારું વચન પૂરું કરવા આવ્યો છું.”

Modi in Malaysia

Modi in Malaysia:સંસ્કૃતિ અને સ્વાદે જોડાયેલા સંબંધો

ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ ભારત અને મલેશિયા વચ્ચેની સંસ્કૃતિક નજીકતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “તમે રોટીને મલબાર પરોઠા સાથે જોડીને બે દેશોના સ્વાદને એક કરી દીધા છે. નારિયેળ, મસાલા અને ચા આપણા સંબંધોને જોડે છે. કુઆલાલંપુર હોય કે કોચી, સ્વાદ લગભગ એકસરખો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય સંગીત અને ફિલ્મો મલેશિયામાં ખૂબ લોકપ્રિય છે. PM મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમના સંગીતપ્રેમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત મુલાકાત દરમિયાન તેમણે ગાયેલું હિન્દી ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. અનવર ઇબ્રાહિમને મહાન અભિનેતા અને નેતા એમ.જી.આર.ના તમિલ ગીતો ખૂબ પસંદ હોવાનું જાણીને પણ તેમને આનંદ થયો હતો.

Modi in Malaysia:ભારત હવે વિશ્વનું મોટું ઇન્વેસ્ટમેન્ટ હબ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે ભારતને દુનિયા ફક્ત એક મોટું બજાર નહીં, પરંતુ રોકાણ અને વેપાર માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહી છે. યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓમાન, યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિત અનેક દેશો ભારત સાથે વેપાર કરાર કરી રહ્યા છે.

તેમણે મલેશિયામાં વસતા ભારતીયોને યાદ કરતાં કહ્યું કે, “2001ના ગુજરાત ભૂકંપ સમયે તમે બધા ભારતની મદદ માટે એક થઈ ગયા હતા. તમારા પૂર્વજોએ ભારતની આઝાદી માટે મોટા બલિદાન આપ્યા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાવનારા પ્રથમ લોકોમાં પણ મલેશિયાના ભારતીયો સામેલ હતા.”

Modi in Malaysia:દ્વિપક્ષીય ચર્ચા અને મહત્વના મુદ્દાઓ

આ યાત્રા મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર યોજાઈ છે. મુલાકાત દરમિયાન બંને વડાપ્રધાન ભારત-મલેશિયા ‘કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ની સમીક્ષા કરશે.

વિદેશ મંત્રાલય મુજબ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, નવીનીકરણીય ઊર્જા, શિક્ષણ, આરોગ્ય, પર્યટન અને લોકોના પરસ્પર સંપર્ક જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, શિષ્યવૃત્તિ વધારવા અને મલેશિયામાં ‘થિરુવલ્લુવર સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ’ ખોલવા અંગે પણ વિચારણા થશે.

ઝાકિર નાઈકનો મુદ્દો અને CEO ફોરમ

Modi in Malaysia

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુલાકાત દરમિયાન મલેશિયામાં લાંબા સમયથી રહેલા ભાગેડુ ઝાકિર નાઈકના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. 8 ફેબ્રુઆરીએ કુઆલાલંપુરમાં ભારત-મલેશિયા CEO ફોરમની 10મી બેઠક યોજાશે, જેમાં વડાપ્રધાન મોદી ઉદ્યોગપતિઓ અને વેપારી નેતાઓ સાથે મુલાકાત કરશે.

ASEAN દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ યાત્રા

મલેશિયા ASEANનો મહત્વપૂર્ણ સભ્ય દેશ છે. આ સંદર્ભમાં પીએમ મોદીની યાત્રા ભારત-ASEAN સંબંધોને નવી દિશા આપી શકે છે. ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’માં મલેશિયા મહત્વનો ભાગીદાર છે. ASEAN સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (AITIGA)ને વધુ સંતુલિત અને આધુનિક બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મલેશિયામાં લગભગ 29 લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જે વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ભારતીય પ્રવાસી સમુદાય છે. ભારત અને મલેશિયાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને માનવ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડાપ્રધાન મોદીની આ મુલાકાતને મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ઐતિહાસિક ફ્રેમવર્ક જાહેર, ₹2500 લાખ કરોડના વૈશ્વિક માર્કેટનું દ્વાર ખુલ્યું