Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં PM મોદીએ વૈશ્વિક પેટ્રોલ-ડીઝલના સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ ભારતની મજબૂત સ્થિતિનો અહેસાસ પણ કરાવ્યો હતો.
Mann Ki Baat: વિશ્વની ઉર્જા જરૂરિયાતના કેન્દ્રમાં યુદ્ધ ભારત મક્કમ
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વર્તમાનમાં જે વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, “છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે અને આપણા જે મજબૂત વૈશ્વિક સંબંધો છે, તેના કારણે આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યા છીએ.”

Mann Ki Baat: અફવાઓ ફેલાવનારાઓ સામે આકરા પ્રહાર
દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર વડાપ્રધાને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે:
- નાગરિકોએ માત્ર સરકારની સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.
- આ ગંભીર વિષય પર રાજનીતિ કરવી એ 140 કરોડ ભારતીયોના હિત સાથે ચેડા કરવા સમાન છે.
- અફવાઓ ફેલાવવી એ દેશને મોટું આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડે છે.
Mann Ki Baat: ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા
યુદ્ધગ્રસ્ત વિસ્તારો અને ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા PM એ જણાવ્યું કે, “આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ ત્યાં રહે છે. હું ખાડી દેશોનો આભારી છું કે તેઓ ત્યાં વસતા ભારતીયોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે.” ભારત સરકાર ત્યાં વસતા નાગરિકોની સુરક્ષા માટે સતત સંપર્કમાં છે.

Mann Ki Baat: “કોરોનાને હરાવ્યો, હવે ઉર્જા સંકટને પણ હરાવીશું”
વર્ષ 2026 ના માર્ચ મહિનાની આ કપરી સ્થિતિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે દુનિયાને અપેક્ષા હતી કે કોરોના બાદ શાંતિ અને પ્રગતિ થશે, પરંતુ સતત યુદ્ધની સ્થિતિ સર્જાતી રહી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું કે જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટો સામે વિજય મેળવ્યો છે, તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત અને એકજૂથ થઈને બહાર આવીશું.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ઈરાન સરકારમાં ભયાનક તિરાડયુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ અને IRGC પ્રમુખ આમને-સામને, અર્થતંત્ર તબાહીના આરે




