Mandvi Conversion Row: સુરત જિલ્લાના માંડવીમાં ગાજેલા કથિત ધર્મ પરિવર્તન અને શારીરિક શોષણના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી ડૉક્ટરના પરિવારજનોએ પોતાની સામે થયેલી FIR અને કાયદેસરની કાર્યવાહીને રદ કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે તેમને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
Mandvi Conversion Row: શું છે અરજદારોની રજૂઆત?

એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે દાખલ કરાયેલી આ અરજીમાં ડૉક્ટરના માતા, પિતા અને બહેનોએ દલીલ કરી છે કે:
- વેરભાવનો આરોપ: પરિવારના એક સભ્ય સાથે જોડાયેલા અંગત વિવાદને કારણે આખા પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે.
- બે અલગ દિશાઓની તપાસ: તપાસ અધિકારીએ ‘નિષ્ફળ પ્રેમ સંબંધ’ અને ‘ધર્મ પરિવર્તન’ એમ બે તદ્દન અલગ વિષયોને ભેગા કરી દીધા છે.
- કાયદાકીય ખામી: હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ-6 મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે, જે આ કેસમાં લેવામાં આવી નથી. આથી સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે રદબાતલ ઠરે છે.
Mandvi Conversion Row: પ્રેમજાળથી ધર્મ પરિવર્તન સુધીના આક્ષેપો
આ વિવાદની શરૂઆત મે 2025માં થઈ હતી. ફરિયાદ મુજબ:
- મુખ્ય આરોપી: માંડવીમાં દવાખાનું ચલાવતા 30 વર્ષીય ડૉ. અંકિત ચૌધરી સામે એક મહિલાએ છેતરપિંડીથી શારીરિક સંબંધ બાંધવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.
- ધર્મ પરિવર્તનની શરત: મહિલાનો આક્ષેપ છે કે ડૉક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં એવી શરત મૂકી હતી કે જો તે તેના આખા પરિવારનું ધર્મ પરિવર્તન કરાવશે તો જ તે તેની સાથે લગ્ન કરશે.
- પરિવારની સંડોવણી: પોલીસ તપાસમાં ડૉક્ટરના પિતા રામજીભાઈ ચૌધરીનું નામ પણ ખુલ્યું હતું, જેઓ સરકારી શાળાના આચાર્ય હોવાની સાથે ખ્રિસ્તી ધર્મના ‘પાસ્ટર’ (પાદરી) તરીકે પણ કાર્યરત હોવાનું કહેવાય છે.
Mandvi Conversion Row: હાઈકોર્ટ પાસે શું માગણી કરવામાં આવી?
અરજદારોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે જ્યાં સુધી આ અરજીનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માંડવી પોલીસ દ્વારા કરવામાં આવતી ‘વધુ તપાસ’ પર તાત્કાલિક સ્ટે (રોક) લગાવવામાં આવે. આ સાથે જ ડિસેમ્બર 2025માં જે આદેશો દ્વારા ધર્મ પરિવર્તનની ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી, તેને પણ રદ કરવાની માગણી કરી છે.
હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ સંવેદનશીલ મામલે શું વલણ અપનાવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર ખાતા પહેલા સાવધાન! હવે પનીર પ્રેમીઓ સાવધાન! હવે હોટલના મેનુમાં ‘અસલી’ કે ‘એનાલોગ’ લખવું પડશે ફરજિયાત.




