રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદય રોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદય ની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદય ને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
શહેરના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ :-
- કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક અલગ અલગ બાબતો છે, જેને સમજવાની જરૂર છે.
- કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી
- યુવાનોમાં સડન ડેથ માટે ઘણાં કારણો જવાબદાર, જૂજ કિસ્સાઓમાં જ સડન ડેથનું કારણ હાર્ટ એટેક
- નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકના સાચાં કારણો જાણીએ અને લોકોને જાગૃત કરીએ
- સારી જીવનશૈલી, ખાનપાન, કસરત, તણાવમુક્ત જીવન હંમેશા રોગોથી દૂર રાખે છે.
શું કહે છે ડેટા ટ્રેન્ડ ?
યુ.એન. મહેતા હોસ્પિટલ અને આપણા રાજ્યમાં દેખાતા ડેટા ટ્રેન્ડ મુજ્બ કોવિડના ૨ વર્ષ પહેલા અને કોવિડ પછીના ૩ વર્ષનો ડેટા જોઇએ તો કોવિડ પહેલા યંગ કાર્ડિયાક એમ.આઇ.(માયોકાર્ડિયાક ઇન્ફાર્કસન) ૪૦ વર્ષ અથવા એની નીચેના વયની વ્યક્તિમાં ૮ થી ૧૧% લોકોમાં જોવા મળતુ હતું. કોવિડ પછીના ૩ વર્ષના ડેટા જોઈએ તો ૯ % થી ૧૨ % સુધીમાં જોવા મળેલ છે.
કોવિડ પછી જે યંગ પેશન્ટની સડન ડેથ થઈ હોઈ, જેને માનવામાં આવે છે કે કાર્ડિયાક ડેથ થઇ હશે, તો એમાંથી ૫.૫% થી ૯.૫% લોકો કોવિડ પોઝીટીવ હોવાની હિસ્ટ્રી છે અને તેમાંથી માત્ર ૧.૨% થી ૫.૫% દર્દીને severe covid થયો હોય અને હોસ્પિટલમાં એડમીટ થયા હોય અને ઓકસીજન આપવો પડ્યો એવા માત્ર ૦.૫% થી ૩.૫ % દર્દીઓ જ હતા. આ ડેટા વર્ષ ૨૦૨૦ કોવિડની શરુઆત સુધીથી સપ્ટેમ્બર ૨૦૨૩ મહિના સુધીના ડેટાનું વિસ્તૃત વિગત છે.
તારણ
આ ડેટા પરથી એટલું જાણી શકાય કે જે દર્દીઓમાં સીરીયસ કોવિડ ઇન્ફેકેશન થયેલું એમને શરુઆતના વર્ષોમાં થોડુ રીસ્ક વધારે રહ્યું , જે સમય જતા ઓછું થયું છે.
સડન કાર્ડિયાક એરેસ્ટ એટલે શું ?
એવી સ્થિતિ જેમાં ત્વરીત હાર્ટનું કામ કોઈ કારણસર બંધ થઇ જાય છે.
સડન કાર્ડિયાક ડેથ એટલે શું ?
એવી પરિસ્થિતિ જેમાં હ્રદયને લગતી બિમારીથી સડન ડેથ થયું હોય. જે યંગ પેશન્ટમાં આપણે સડન ડેથ જોઈએ છીએ એમાં પર% લોકોમાં સડન કાર્ડિયાક ડેથ હોય છે. બાકીના લોકોમાં એ બીજા કારણોથી સડન ડેથ થતી હોય છે.
સડન કાર્ડિયાક ડેથના કારણો
૮૦% કેસમાં સડન કાર્ડીયાક ડેથ કોરોનરી આર્ટરી (ધમની) બ્લોકેજથી થાય છે. ૨૦% કેસમાં સડન કાર્ડીયાક ડેથ કાર્ડીયોમાયોપથી અથવા હાર્ટના રીધમના ઇસ્યુ જેવી જન્મથી હ્રદયની બિમારીના કારણે જોવા મળે છે.
હાર્ટ એટેક / હૃદયનો હુમલો એટલે શું ?
કોઇ કારણોસર હ્રદયને મળતા લોહી તથા ઓક્સીજન હ્રદયની જરુરીયાત પ્રમાણે ના મળે અને હ્રદયમાં એનાથી જે નુકસાન થાય એને આપણે હ્રદયનો હુમલો કહેતા હોઇએ છે. આવા કિસ્સાઓમાં હ્રદયની નળીમાં Complete અથવા partial બ્લોકેજ હોઈ શકે છે.
હાર્ટ એટેક / હૃદયના હુમલાના લક્ષણો
- સાંકેતિક લક્ષણો
- – છાતી ભારે લાગવી,
- – પરસેવો વળી જવો,
- – ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા,
- – શ્વાસ લેવામાં તક્લીફ થવી,
- – ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા,
- – અશકિત લાગવી વગેરે
અન્ય લક્ષણો
- – એસીડીટી જેવુ લાગવુ,
- – પીઠદર્દ થવુ,
- – જડબામાં દુ:ખવું,
- – હાથ ભારે લાગવા.
હાર્ટ એટેક / હૃદયના હુમલાની સારવાર/ઈલાજ
- ઉપર્યુક્ત કોઇપણ લક્ષણો જણાય ત્યારે તુરંત
- નજીકની હોસ્પિટલમાં બતાવવું જોઈએ અને
- સમયસર તેનો ઇલાજ કરાવો જોઈએ. જેથી
- સડન ડેથ અથવા હૃદય હુમલાને લગતી લાંબાગાળાની તકલીફથી બચી શકાય.
- – દવાથી અથવા સ્ટેન્ટ અથવા બાયપાસથી હાર્ટ એટેક / હૃદયના હુમલાનો ઇલાજ કરવામાં આવે છે
હાર્ટ એટેક / હૃદયનો હુમલો ના આવે તે માટેની પ્રાથમિક કાળજી
- – સ્ટ્રેસમુક્ત લાઈફસટાઇલ,
- – નિયમિત આહાર,
- – પુરતી ઊંધ / આરામ,
- – સારો સાત્વીક ખોરાક,
- – તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ ,
- – વધુ પડતા ધી અથવા તેલમાં બનેલી ચીજવસ્તુ, જંકફુડ લેવાનું ટાળવું,
- – નિયમીત ચાલવું અને વ્યાયામ કરવો,
- – તમાકુ અથવા વ્યસન મુક્ત રહેવું
- – ૪૦ વર્ષથી ઉંમર પછી નિયમિત બોડી ચેકઅપ કરાવવું
યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક, હેડ અને પ્રાધ્યાપક સીવીટીએસના ડૉ.ચિરાગ દોશી, મેરેન્ગો સીમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચગ, ઝાયડસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ભાવેશ રોય, સ્ટર્લિંગ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રસેશ પોથીવાલા દ્વારા મીડિયાના માધ્યમથી રાજ્યના નાગરિકોને વર્તમાન સમયમાં હ્રદયરોગ સંબંધિત સમસ્યાઓ, હાર્ટ અટેક અને કાર્ડિયાક અટેક સંલગ્ન માહિતી અને યુવાનોના મૃત્યુ અને તે માટે હૃદયરોગ જવાબદાર હોવાની ગેરમાન્યતા અંગે વીગતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ તકે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉ. આર.કે. દીક્ષિતે પણ મીડિયાના માધ્યમથી આ સંદર્ભે રાજ્યસરકાર દ્વારા કરવામાં આવી રહેલી પ્રો-એક્ટિવ કામગીરી, NCD રોગ, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા સ્ક્રીનીંગ અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
પ્રવર્તમાન સમયે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બિનચેપી રોગો અને હ્રદયરોગ સંબંધિત કેસની સંખ્યા વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતાં યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક, હેડ અને પ્રાધ્યાપક સીવીટીએસના ડો.ચિરાગ દોશીએ હૃદય, તેની કામગીરી અને તેની સંરચના વિશે ટુંકમાં માહિતી આપતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિમાં સડન ડેથના ઘણા કારણો હોઈ શકે છે. “દરેક સડન ડેથ એ કાર્ડિયાક ડેથ હોતી નથી. જૂજ કિસ્સાઓમાં સડન ડેથનું કારણ હાર્ટ એટેક હોય છે.”
કાર્ડિયાક એરીધમિયા, મહાધમની વિચ્છેદન, મગજનો હુમલો, ફેફસાની નળીમાં ગાંઠ હોવી જેવા કારણો પણ વ્યક્તિની સડન ડેથ માટે જવાબદાર બનતા હોય છે. વ્યક્તિએ ચક્કર આવવા, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી, ગભરામણ, છાતીમાં હળવો દુખાવો, ભાર લાગવો, શરીરના ડાબા ભાગમાં દુખાવો, પરસેવો, ઉબકા, ઉલટી જેવા લક્ષણોને હળવાશથી ન લેતા તાત્કાલિક અસરથી તેના નિદાન માટે તપાસ કરાવવી જોઈએ. જેથી કરીને સમયસર નિદાન અને સારવાર દ્વારા હૃદય રોગના હુમલાની સંભાવનાઓ નિવારી શકાય. હૃદય રોગના હુમલા માટે ફેમિલી હિસ્ટ્રી, વધતી ઉંમર, જીવનશૈલી, તણાવ, ખાનપાન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ, સ્મોકિંગ, તમાકુનું સેવન, ઓબેસિટી, જંક ફૂડ, સેડેન્ટરી લાઇફ, બિન કાર્યક્ષમજીવન શૈલી જેવા અનેક કારણો જવાબદાર છે એમ તેમણે જણાવ્યું હતું.
મેરેંગો સીમ્સ હોસ્પિટલ અમદાવાદનાં સિનિયર કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. મિલન ચગે કહ્યું કે, નાની ઉંમરના ૧૫ થી ૨૦ વર્ષના બાળકોના કિસ્સામાં આવતા એટેક એ હાર્ટ એટેક નથી હોતા, પણ સામાન્ય કિસ્સામાં કાર્ડિયાક એરેસ્ટ હોય છે. અચાનક હાર્ટ એટેક આવવો અને હાર્ટ બંધ થઈ જવું તેવું માત્ર ત્રણથી ચાર ટકા કિસ્સામાં જ જોવા મળતું હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે સમાજમાં કોરોના થયા બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે તેવી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તે સામાન્ય રીતે ખોટી છે. કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના કેસો અને કોરોના બાદના હાર્ટ એટેકના કેસોમાં કોઈ મોટો ફરક આવ્યો નથી. એટલુ જ નહી, વેક્સિનના કારણે હૃદયની બીમારીઓ વધી ગઈ છે તેવી ભ્રમણા પણ ફેલાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવી ભ્રમણાથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં.
ડોક્ટર ચગે વધુમાં કહ્યું કે, જો આપણે તણાવમુક્ત જીવન જીવીશું, વ્યસનથી દૂર રહીશું, સાત્વિક ભોજન લઈશું, દરરોજ નિયમિત ૪૫ થી ૬૦ મિનિટ ચાલવાનું રાખીશું અને જંકફુડ ખાવાનું ટાળીશું તો આપણે ઘણી બધી બીમારીઓને શરીરમાં આવતા અટકાવી શકીશું. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદનાં સિનિયર કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. ભાવેશ રોયે કહ્યું કે, અમદાવાદના હ્રદયરોગના હુમલા થી થતા મૃત્યુમાં ૧૦ ટકા જેટલા સડન ડેથના કિસ્સાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યા છે. ૭ થી ૮ ટકા ડેથ નળીઓના બ્લોકેજના કારણે થાય છે. માત્ર બે થી ત્રણ ટકા મૃત્યુ નાની ઉંમરમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે થતા હોય છે, આમાં પણ મોટાભાગના કિસ્સામાં હૃદય ધ્રુજી જવું તેમજ હૃદયના ધબકારા અનિયમિત થવાને કારણે થાય છે. આ બધા જ કિસ્સામાં જો CPR તાત્કાલિક આપવામાં આવે તો તો દર્દીનું જીવન બચાવી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે યુવાનોમાં હાર્ટ એટેકનો ડર વધ્યો છે ત્યારે યુવાઓએ હાર્ટ એટેકથી ડરવાનું નથી, પણ જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ. આજે લાઈફ સ્ટાઈલમાં સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે જેના કારણે પણ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે. આજે ૪૦ ટકા લોકો ફિઝિકલી ઈનએક્ટિવ છે અને ૨૦ ટકા માઈનર એક્ટિવ છે. આ સાથે ઓબેસિટી અને સ્મોકિંગના કારણે પણ હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. સ્મોકિંગના કારણે નળીમાં ક્લોગ થાય છે, જેના કારણે પણ એટેક આવતો હોય છે.
મીડિયાના માધ્યમથી વાત કરતાં સ્ટર્લિંગ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રસેશ પોથીવાલાએ જણાવ્યું કે, હૃદય રોગની જાણકારી માટે સ્ક્રિનિંગ ખૂબ જ અગત્યની બાબત છે. સ્ક્રિનિંગ દ્વારા વ્યક્તિને હૃદય રોગના ચિન્હો અને લક્ષણોને ઓળખવામાં મદદ મળે છે. વ્યક્તિને પોતાના શરીરમાં હ્રદયને લગતા કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તેણે હૃદય રોગની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પોતાનું સ્ક્રિનિંગ સત્વરે કરાવવું જોઈએ. યોગ્ય સ્ક્રીનિંગ દ્વારા યોગ્ય સમયે ડાયગ્નોસીસ થતા યોગ્ય સારવાર મળી રહે છે અને હૃદય રોગનો ખતરો નિવારી શકાય છે. એક વખત ઇ.સી.જી. કરાવ્યા બાદ અડધા કલાકના અંતરે ફરી વખત સીરીયલ ઇ.સી.જી. કરાવીને સચોટ નિદાન કરાવવાની પણ સલાહ તેમણે આપી હતી.
આ તકે શહેરના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા શહેરની અલગ અલગ હોસ્પિટલના કોવીડ મહામારી એટલે કે વર્ષ 2020 અને કોવિડ મહામારી બાદના વર્ષ 2023 સુધીના હૃદયરોગના દર્દીઓના વિગતવાર આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના પહેલા વર્ષ 2018-19 માં કુલ હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા ૮ થી ૧૧ ટકા જેટલી હતી, જે કોરોના બાદના વર્ષ 2023 સુધીના આંકડામાં પ્રમાણે સરેરાશ ૧૨% જેટલી જોવા મળી છે. મેરેન્ગો સીમ્સ હોસ્પિટલના કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના અથવા હૃદય રોગના દર્દીઓની ટકાવારી 9.6% થી જે કોરોના બાદ પણ 9.7 ટકા જેટલી જ જોવા મળી હતી.
એ જ રીતે સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ કોરોના પહેલા હૃદય રોગના દર્દીઓની સંખ્યા 11 ટકા જેટલી હતી જે કોરોના બાદ પણ 11.2% જેટલી જ જોવા મળી હતી. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલમાં પણ ઉંમર આધારિત વર્ગીકરણના હૃદય રોગના દર્દીઓના આંકડામાં કોરોના કાળ પહેલા અને કોરોના કાળ બાદ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી. નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટના મતે આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, કોવીડ પહેલા અને કોવિડ બાદ હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો નથી. જે સાબિતી આપે છે કે કોરોના વાયરસનો ચેપ કે કોરોનાનો રસી હૃદયરોગના હુમલા માટે જવાબદાર નથી.