Kadi Land Scam: કડી તાલુકાના વડાવી ગામમાં વર્ષોથી વસેલા તરસનીયા પરાનો આખો વિસ્તાર અમદાવાદના એક બિલ્ડરના નામે વેચાણ દસ્તાવેજ થઈ જતાં ભારે હલચલ મચી ગઈ છે. પરા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યને દસ્તાવેજ અંગે શંકા જતા મામલો બહાર આવ્યો છે, ત્યારબાદ રેવન્યુ વિભાગ સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

કડી તાલુકાના વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 પર આવેલ તરસનીયા પરામાં છેલ્લા લગભગ 45 વર્ષથી ઠાકોર અને રબારી સમાજના આશરે 500 જેટલા લોકો વસવાટ કરે છે. આ પરામાં સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી, ટ્યુબવેલ તેમજ મહાદેવનું મંદિર આવેલું છે. પરામાં વસતા લોકો વડાવી-3 તરસનીયા પ્રાથમિક શાળામાં દર ચૂંટણીમાં મતદાન કરે છે, જેમાં કુલ 289 જેટલા મતદારો નોંધાયેલા છે.
Kadi Land Scam: 1978થી ચાલતી શાળા, છતાં જમીન વેચાઈ
તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 1978માં થઈ હતી. આ જમીન અંગે વર્ષ 1976માં મામલતદાર કચેરી કડી દ્વારા ગણોતીયા અંગેની નોંધ બિનઅમલી જાહેર કરવામાં આવી હતી, જેના કારણે મૂળ ખેડૂત માલિકો યથાવત્ રહ્યા હતા. આ આધાર પર અગાઉ બે વખત વારસાઈ નોંધ પણ દાખલ થઈ હતી અને તે સમયે મામલતદાર તથા પ્રાંત કચેરી દ્વારા જમીન યથાવત્ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
છતાં પણ 10 ડિસેમ્બર 2025ના રોજ મિલન પટેલ દ્વારા ખેડૂતો પાસેથી જમીન ખરીદી બતાવી કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ નોંધાવી લેવાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Kadi Land Scam: શાળાના આચાર્યએ ઉઠાવ્યો વાંધો
આ સમગ્ર મામલો કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના ધ્યાનમાં આવતા તેમણે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા ખુલ્યું કે જે જમીન પર પરા, શાળા અને આંગણવાડી કાર્યરત છે તે જ સર્વે નંબર 333ની જમીન કોઈ અમદાવાદના બિલ્ડરના નામે વેચાઈ ગઈ છે.
આ બાબતે ટીડીયોની સૂચનાથી આચાર્ય સંજય ઠાકોરે કડી મામલતદાર, સબ રજિસ્ટ્રાર, ટીડીઓ તથા પ્રાંત અધિકારી સમક્ષ લેખિત વાંધા અરજી રજૂ કરી છે.
Kadi Land Scam: તપાસના આદેશ, પંચનામું શરૂ
કડી મામલતદાર માધવીબેન પટેલે જણાવ્યું કે વડાવી ગામના તરસનીયા પરાનો દસ્તાવેજ થયાની જાણ થતાં રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પર પંચનામું કરવા મોકલવામાં આવ્યા છે. સર્વે નંબર 333માં શાળા અને મંદિર હોવા છતાં દસ્તાવેજ કેવી રીતે થયો તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે જણાવ્યું કે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જાણ કરવામાં આવી છે.
સ્થાનિકોમાં રોષ
આખો પરા વિસ્તાર વેચાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી વસેલા રહેવાસીઓએ સરકારી જમીન અને જાહેર સંસ્થાઓ સાથે થયેલી આ ગડબડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.




