કર્મચારીઓને કર્મયોગી ગણાવતી સરકારનો કર્મયોગી કર્મચારીઓ સાથે અન્યાયઃ અમિત ચાવડા

0
74

કર્મચારીઓને કર્મયોગી ગણાવતી સરકારનો કર્મયોગી કર્મચારીઓ સાથે અન્યાયઃ અમિત ચાવડા
• જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકા અને જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા (કુલ ૮ ટકા) મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવવાનો બાકી છે તે તાત્કાલીક જાહેર કરીને ચુકવવા માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગઃ અમિત ચાવડા
• કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થાનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ ને પેન્શનરોને તાત્કાલીક ચુકવવાની માંગ કરતો શ્રી અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રીત થઈ શકતી નથી અને રાજ્યમાં દિવસે દિવસે વધી રહેલ તેલના ભાવ, પેટ્રોલ – ડીઝલના ભાવ, ઘરવપરાશની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ અમર્યાદિત રીતે વધી રહેલ છે.
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ હતો તેને ૯ મહિના જેટલો સમય વિતી જવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવેલ નથી. ફરી પાછો તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા મોઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવેલ છે. આમ કેન્દ્ર સરકારે ૪ ટકા + ૪ ટકા એમ કુલ ૮ ટકા વધારો કરતાં રાજ્ય સરકારના કર્મચારીઓને ૪૨ ટકા લેખે મોંઘવારી ભથ્થામાં વધારો ચુકવવાનો થાય છે પરંતુ ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવેલ નથી અને ૩૪ ટકા લેખે જ મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વારંવાર કેન્દ્ર સરકારની વાહવાહી કરતી જાહેરાતો કરવામાં આવે છે અને સરકારના કર્મચારીઓનો ઉપયોગ સરકારી તાયફાઓમાં કરવામાં આવે છે અને કર્મચારીઓને કર્મયોગી કહીને સંબોધે છે પરંતુ જ્યારે એજ કર્મયોગી કર્મચારીઓને તેમના હક્કનો લાભ આપવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે.
વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના નાણામંત્રીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ લાગુ પાડવા માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો તેમ છતાં રાજ્ય સરકાર કર્મચારીની લાગણી સમજી શકી નથી. રાજ્યમાં ઉત્સવો અને કાર્યક્રમોમાં પાછળ કરોડો રૂપિયાનો વ્યય થાય છે. રાજ્ય સરકાર મોડલ સ્ટેટ હોવાના દાવાઓ થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાજ્યમાં હજારો કર્મચારીઓની ઘટ છે તેના કારણે કામ કરી રહેલ કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ પાસે પુરતુ કામ લેવામાં આવે છે. અલગ અલગ મહેકમોમાં એક કરતા વધુ જવાબદારી સોંપવાની સાથે ચૂંટણીઓમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને તેમના હક્કનું મોંઘવારી ભથ્થુ સમયસર આપવામાં આવતુ નથી.
જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકા અને જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા (કુલ ૮ ટકા) મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવવાનો બાકી છે તે તાત્કાલીક જાહેર કરીને ચુકવવા માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ.