India US Trade Deal Opens:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ઐતિહાસિક ફ્રેમવર્ક જાહેર, ₹2500 લાખ કરોડના વૈશ્વિક માર્કેટનું દ્વાર ખુલ્યું

0
105
India US Trade Deal

India US Trade Deal Opens:વૈશ્વિક અર્થતંત્રમાં ભારતે એક મોટો ‘માસ્ટરસ્ટ્રોક’ રમ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતીનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે. આ સમજૂતી સાથે ભારત માટે અંદાજે 30 ટ્રિલિયન ડોલર (₹2500 લાખ કરોડ)ના વૈશ્વિક માર્કેટનું દ્વાર ખુલ્યું છે.

આ ડીલ અંતર્ગત અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલો 50 ટકા સુધીનો ટેરિફ ઘટાડીને સીધો 18 ટકા કરી દીધો છે. સાથે જ, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો 25 ટકા વધારાનો ટેક્સ પણ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ચીનની સરખામણીમાં ભારતને અમેરિકી બજારમાં સ્પષ્ટ સ્પર્ધાત્મક લાભ મળશે.

શુક્રવારે બંને દેશોએ વચગાળાના વેપાર કરાર (Interim Trade Agreement – ITA)નું ફ્રેમવર્ક જાહેર કર્યું હતું. સંયુક્ત નિવેદન અનુસાર, આ માળખું 13 ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલી ભારત-અમેરિકા વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ની વાટાઘાટોને વધુ આગળ ધપાવશે.

India US Trade Deal Opens

આ કરાર હેઠળ બજાર પહોંચ વધારવી, સપ્લાય ચેઇન મજબૂત બનાવવી અને વેપાર અવરોધો ઘટાડવા જેવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી કુલ 500 અબજ ડોલરના ઉત્પાદનો ખરીદશે, જેમાં એનર્જી પ્રોડક્ટ્સ, વિમાન અને તેના પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોકિંગ કોલસાનો સમાવેશ થાય છે.

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરના બજારમાં પ્રવેશ સરળ બનશે. MSME, ખેડૂતો, માછીમારો, મહિલાઓ અને યુવાનો સૌથી મોટા લાભાર્થી બનશે અને લાખો નવી નોકરીઓ સર્જાવાની શક્યતા છે.

India US Trade Deal Opens:મોદીએ કહ્યું – થેન્ક્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્ક પર સંમત થયા છે. મજબૂત સંબંધો માટેની પ્રતિબદ્ધતા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું.”
મોદીએ વધુમાં કહ્યું કે આ કરાર ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત કરશે અને નવીનતા, રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વેગ આપશે.

નોન-ટેરિફ અવરોધો દૂર થશે

બંને દેશોએ દ્વિપક્ષીય વેપારમાં આવતા નોન-ટેરિફ અવરોધો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે અમેરિકી મેડિકલ ડિવાઇસિસ, ICT ઉત્પાદનો અને ખાદ્ય-કૃષિ ઉત્પાદનો માટેની આયાત પ્રક્રિયાઓ સરળ બનાવવા પર સંમતિ આપી છે.

India US Trade Deal Opens:કૃષિ અને ડેરી સેક્ટર સંપૂર્ણ સુરક્ષિત

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે ભારતે પોતાના કૃષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણપણે સુરક્ષિત રાખ્યા છે. મકાઈ, ઘઉં, ચોખા, દૂધ, પનીર, પોલ્ટ્રી, માંસ, તમાકુ અને ઇથેનોલ જેવા ઉત્પાદનો પર અમેરિકાને કોઈ ટેરિફ રાહત આપવામાં આવી નથી.

India US Trade Deal Opens

જોકે, ડ્રાય ફ્રૂટ્સ, સોયાબીન ઓઈલ, વાઈન, સ્પિરિટ્સ અને કેટલાક પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર આયાત શુલ્ક ઘટાડવા પર સંમતિ દર્શાવવામાં આવી છે.

આ ઐતિહાસિક ટ્રેડ ડીલ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ગણાઈ રહી છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો :ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે નવી ભાગીદારીના મંડાણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આયર્લેન્ડના રાજદૂત સાથે મહત્વપૂર્ણ બેઠક