India Pakistan :નવા વર્ષની પહેલી જ તારીખે ભારત અને પાકિસ્તાને 35 વર્ષ જૂની પરંપરાને આગળ વધારતાં એકબીજાને પોતાની પરમાણુ સંસ્થાઓની યાદી સોંપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર રાજદ્વારી માધ્યમથી આ આપ-લે કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ પરમાણુ સંસ્થાઓ પર હુમલો ન કરવાની સમજૂતી થઈ હતી, જે 27 જાન્યુઆરી 1991થી અમલમાં આવી હતી. આ કરાર મુજબ બંને દેશો દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ પોતાની પરમાણુ સંસ્થાઓ અને તે સંબંધિત વિગતો એકબીજાને આપે છે. આ વર્ષ સાથે મળીને બંને દેશો અત્યાર સુધીમાં કુલ 34 વખત આ યાદીની આપ-લે કરી ચૂક્યા છે.

India Pakistan :કેદીઓ અને માછીમારોની યાદી પણ સોંપાઈ
પરમાણુ સંસ્થાઓની યાદી સાથે- ભારત અને પાકિસ્તાને ‘કોન્સુલર એક્સેસ એગ્રીમેન્ટ-2008’ હેઠળ જેલમાં બંધ નાગરિકો અને માછીમારોની યાદી પણ એકબીજાને સોંપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનને 391 નાગરિક કેદીઓ અને 33 માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે.
જ્યારે બીજી તરફ, પાકિસ્તાને ભારતને 58 ભારતીય નાગરિકો અને 199 ભારતીય માછીમારોની યાદી સોંપી છે, જે હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
India Pakistan :ભારતીય કેદીઓની વહેલી મુક્તિની ભારતની માંગ

ભારત સરકારે પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિકો, માછીમારો તથા ગુમ થયેલા ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે મુક્ત કરીને ભારત પરત મોકલવાની માંગ કરી છે. ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે, 167 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓની સજા પૂરી થઈ ચૂકી છે, તેથી તેમને તાત્કાલિક છોડવામાં આવે.
આ ઉપરાંત, પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા અને ભારતીય હોવાનું માનવામાં આવતા 35 નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કાઉન્સિલર એક્સેસ આપવામાં આવે તેવી પણ ભારતે માંગ કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ છે, ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેની જવાબદારી છે.




