INDIA MALDIVES RELATION : કરણ જોહર અને સલમાનની ફિલ્મ અટવાઈ, મેકર્સ સંબંધો સુધરે તેની રાહ જોશે
માલદીવના બે મંત્રીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની લક્ષદ્વીપની મુલાકાતને લઈને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદથી ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જેની અસર ટુરિઝમથી લઈ ઘણી બધી બાબતોમાં જોવા મળી રહી છે. બોલિવૂડ સેલેબ્સના બીજા ઘર સમાન માલદીવ્સમાં હવે વેકેશન તો ઠીક પણ શુટિંગ પણ અટકી પડ્યું છે.
હા, આ વિવાદના કારણે કરણ જોહર અને સલમાન ખાને તેમની ફિલ્મ બે મહિના માટે અટકાવી દીધી છે અને સંબંધો સુધરવાની રાહ જોવાઈ રહી છે. સલમાન ખાન અને કરણ જોહર 25 વર્ષ પછી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે ‘ધ બુલ’ જેનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થવાનું હતું.
આર્મી ઓફિસરના રોલમાં સલમાન
ફિલ્મની ટીમ ગત વર્ષે 28 ડિસેમ્બરે મુંબઈના ફિલ્મસિટી ખાતે મુહૂર્ત માટે એકત્ર થઈ હતી. આ સમય દરમિયાન એ વાતની પુષ્ટિ થઈ હતી કે, ફિલ્મ ફેબ્રુઆરી 2024માં ફ્લોર પર જશે. આ ફિલ્મમાં સલમાન આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નિર્દેશક વિષ્ણુવર્ધન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ બે મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આવું બન્યું છે.
શૂટિંગ 2 મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું છે
જો ફિલ્મ સાથે જોડાયેલા એક સુત્રનું માનીએ તો, ‘કરણ, વિષ્ણુ અને સલમાનને આ ફિલ્મની પટકથા નક્કી કરવામાં થોડો વધુ સમય લાગશે. તે પોતાની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કરી રહ્યા છે અને ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સુધરવાની રાહ જોઈ રહ્યો છે. બધુ ઠીક થતાં જ મેકર્સ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલ તો ફેબ્રુઆરીનું શેડ્યૂલ લગભગ 2 મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
સૂત્રે વધુમાં જણાવ્યું, ‘હાલમાં જ્યારે વિષ્ણુ ફિલ્મની વાર્તામાં ફેરફાર કરી રહ્યા છે, ત્યારે કરણ ફિલ્મના શૂટિંગ સાથે સંબંધિત અન્ય પ્રોસેસ પર વિચાર કરી રહ્યો છે. આ દરમિયાન સલમાન અન્ય સ્ક્રિપ્ટ પણ વાંચી રહ્યો છે.
‘ધ બુલ’ 1988ના ‘ઑપરેશન કેક્ટસ’ પર આધારિત છે
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધ બુલ’ ની વાર્તા 1988ના પ્રખ્યાત ‘ઑપરેશન કેક્ટસ’ પર આધારિત છે. આ ઑપરેશન ભારતીય સેના દ્વારા માલદીવને આતંકીઓથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું.અને 48 કલાકમાં જ ભારતની આર્મીએ ન માત્ર માલદીવ્સને આતંકીઓથી બચાવ્યું હતું પરંતુ માલદીવ્સના તત્કાલીન વડાપ્રધાનની ખુરશી પણ બચાવી હતી. આ ફિલ્મ માટે સલમાન પહેલેથી જ વજન ઘટાડવાની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તે ફિલ્મમાં આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે
INDIA MALDIVES RELATION : માલદીવ સાથે ભારતના સંબંધો કેમ બગડ્યા?

15 નવેમ્બર, 2023ના રોજ, માલદીવના નવા રાષ્ટ્રપતિ અને ચીનના સમર્થક ગણાતા મોહમ્મદ મુઇઝુએ શપથ લીધા ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. હકીકતમાં મોહમ્મદ મુઈઝુએ પોતાના ચૂંટણી-પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. સત્તામાં આવ્યા બાદ તેમણે માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો. ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી.આ પછી માલદીવના બે મંત્રીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની લક્ષદ્વીપની મુલાકાતને લઈને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં (INDIA MALDIVES RELATION )ખટાશ આવી ગઈ છે.
‘ટાઈગર VS પઠાન’નું શૂટિંગ માર્ચથી શરૂ થશે
સલમાનની ‘ધ બુલ’ને ધર્માનો ખાસ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે, જેને લઈને ફિલ્મ સાથે જોડાયેલા લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વાયઆરએફની ‘ટાઇગર VS પઠાન’નું શૂટિંગ પણ માર્ચથી શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં ફિલ્મના શૂટિંગની તારીખો ‘ટાઈગર VS પઠાન’ વચ્ચે ક્લેશ થાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. સલમાને બંને ફિલ્મોનું શૂટિંગ એકસાથે સંભાળવું પડશે, તેવી સ્થિતિ ઉભી થઈ છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો