HOT WEATHER : ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમી વધી છે. અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાવાની શક્યતાઓ છે. તો સાથે અમદાવાદના તાપમાનમાં ગઈકાલ કરતાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, હજુ પણ આવનારા બે દિવસ ગરમીનું જોર યથાવત્ રહેશે.
HOT WEATHER : 2 વાગ્યા સુધીમાં તાપમાન 41 ડિગ્રી જશે

આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. ગઈકાલે શહેરીજનો વધુ તાપમાનમાં શેકાયા હતા, જ્યારે આજે એક ડિગ્રી મહત્તમ તાપમાન ઓછું રહે તેવી શક્યતાઓ છે. સવારે 10:00 વાગ્યાથી જ તાપમાનનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે શહેરનું તાપમાન વધતાં 11 વાગ્યે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. . ત્યારબાદ 12:00 વાગ્યે 37 ડિગ્રી અને તે પછી સૂર્ય માથે હોય તે દરમિયાન સતત તાપમાનનો પારો વધીને બપોરના 2:00 વાગ્યા સુધીમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ શકે છે. બપોરના 2:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી શહેરમાં ગરમીનો પ્રકોપ વર્તાશે, ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાથી ધીમે ધીમે તાપમાનનો પારો ગગડીને રાત્રે 11:00 વાગ્યા સુધીમાં 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે.

HOT WEATHER : અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગઈકાલે બુધવારે અમદાવાદનું તાપમાન સામાન્ય દિવસો કરતાં 2.6 ડિગ્રી વધીને 42.2 ડિગ્રીએ પહોચ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 26.0 ડિગ્રી નોંધાયું હતું. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં છેલ્લા 3 દિવસથી સવારના 8 વાગ્યાથી જ ગરમીનો પારો 30 ડિગ્રીથી વધુ નોંધાયો છે. સવારના 11 વાગ્યા સુધીમાં તાપમાન 34થી 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
HOT WEATHER : ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં ગરમી વધી

એન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનથી બુધવારે પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર-પૂર્વના ગરમ પવનો શરૂ થયા હતા, તેની સાથે વાતાવરણમાં નીચલા લેવલે એક એન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું. જેથી ગરમ પવનો સીધા જમીન તરફ આવતા વાતાવરણમાં અચાનક ગરમી વધી હતી. આવનારા બે દિવસ સુધી ગરમીનું જોર યથાવત્ રહેશે. 19, એપ્રિલ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો