સુરતમાં હિટ એન્ડ રનની ઘટના : કાર ચાલકે લારીવાળાને ઉડાડ્યા ,સીસીટીવી વાયરલ

0
175

સુરતના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં એક ફોરવિલ ચાલકે બેફામ રીતે કાર હંકારી રોડ પરથી હાથ લારી લઈ પસાર થતાં યુવકને અડફેતે લીધો હતો. એટલું જ નહીં પરંતુ આ અકસ્માત સર્જી કાર ચાલક એક સેકન્ડ પણ ઉભો રહ્યા વગર ત્યાંથી ભાગી હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત લારીવાળાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગતરોજ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડીંડોલી વિસ્તારના શાકભાજીની લારી ચલાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને કાર ચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો સાથે આ ઘટનાના સીસીટીવી વિડિયો પણ સામે આવ્યા છે.

તમને જણાવી દઇએ કે ડીંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયંકા-૨ની બાજુમાં આવેલ સાંઈ સોસાયટીમાં રહેતા 20 વર્ષિય અંકિતભાઈ વસંતલાલ ગુપ્તા શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ઘર-ગુજરાન ચલાવી રહ્યો હતો. અંકિત ના પિતાના થોડા સમય પહેલા હાર્ટ અકેટ આવ્યો હોવાની તેના પિતા કામ કરતા ન હતા. અને તેમને સંતાનમાં અંકિત એક બો એક પુત્ર હતો.જ્યાં રવિવારે સાંજે ડીંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝા પાસે લારી લઈને અંકિત જઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે લારીને ટક્કર મારી હતી. જેમાં અંકિતને ગંભીર ઇજા પહોંચતા તેને સૌ પ્રથમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસે વાહનચાલક વિરુદ્ધઅકસ્માત મોતનો ગુનો નોંધીને વધુની તપાસ શરૂ કરી છે.

ડીંડોલી વિસ્તારના આરજેડી કોમ્પ્લેક્સ પાસે બનેલી હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ જવા પામી હતી જેમાં જોઈ શકાય છે કે અંકિત ટામેટા ની લારી લઈને રોડ પરથી પસાર થઈ રહ્યો છે તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતો કારચાલક તેને અડફેટ લે છે જ્યાં અંકિત ફંગોળાઈને જમીન પર પટકાય છે અને બીજી તરફ કારચાલક ગાડીને બ્રેક માર્યા વગર ત્યાંથી નાસી છૂટે છે. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઈજાગ્રસ્ત અંકિત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગતરોજ તેનું મોત નીપજ્યું છે.

શાકભાજી વેચતા યુવકના મોતને પગલે ડીંડોલી વિસ્તારના શાકભાજી વેચતા તેમજ સ્થાનિક લોકોમાં કારચાલક સામે રોષ ફાટી નીકળ્યો છે. અને તેની વહેલીતકે ઝડપી લઇ તેના સામે કડક કાર્યવાહી થાય તેવો માગ પોલીસ સમક્ષ કરવામાં આવી છે.