ભારતના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં ભારતના અલગ અલગ પ્રદેશોમાં અસહ્ય ગરમી પડી શકે છે. તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધવાની શક્યતા છે. વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી એડ્વાઇઝરીમાં કહેવાયું છે કે આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે પવન સાથે આંધી આવી શકે છે. વિભાગનું અનુમાન છે કે કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદનાં છાંટા પડી શકે છે. ચાલુ મહિનાના પ્રારંભે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દેશના ઘણા ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતાં વધારે તાપમાન નોંધાઈ શકે છે. જો એવું થાય તો આ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે.