Happy New Year Link Scam:વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ 2026ના સ્વાગત વચ્ચે સાયબર ઠગોએ પણ નવી યુક્તિ અપનાવી છે. ‘હેપ્પી ન્યૂ યર’ લખાણ સાથે મોકલાતી આકર્ષક લિન્ક લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગુજરાતમાં માત્ર ડિસેમ્બર મહિનાના 30 દિવસમાં જ સાયબર ફ્રોડના કારણે 121 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, સમયસર ફરિયાદના કારણે સ્ટેટ સાયબર સેલે 61 કરોડ રૂપિયા બચાવી લીધા છે, જ્યારે 60 કરોડ રૂપિયા લોકો ગુમાવી ચૂક્યા છે.

Happy New Year Link Scam:ડિસેમ્બરમાં જ 121 કરોડની સાયબર ઠગાઈ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટને ડિસેમ્બર મહિના દરમિયાન 1930 સાયબર હેલ્પલાઈન પર થયેલા કોલ મુજબ 121 કરોડ રૂપિયાની ઠગાઈના કેસ નોંધાયા હતા. તેમાં ઝડપી કાર્યવાહી થકી 61 કરોડ રૂપિયા બચાવી શકાયા છે. ખાસ કરીને ડિસેમ્બર અંતના બે દિવસ 28 અને 29 તારીખે સાયબર સેલને નોંધપાત્ર સફળતા મળી હતી.
Happy New Year Link Scam:બે દિવસમાં 17.72 કરોડ બચાવ્યા
28 ડિસેમ્બરે 1930 હેલ્પલાઈન પર સાયબર ફ્રોડ સંબંધિત 658 કોલ આવ્યા હતા. તેમાંથી એક કેસમાં સમયસર માહિતી મળતાં 1.57 કરોડ રૂપિયા ઠગાઈ થાય તે પહેલાં જ બચાવી લેવામાં આવ્યા હતા.
29 ડિસેમ્બરે કુલ 1115 કોલ નોંધાયા, જેમાં 10.54 કરોડના ઈ-ચીટિંગમાંથી 85 ટકા રકમ એટલે કે 9.04 કરોડ રૂપિયા બચાવાયા હતા. અન્ય એક કેસમાં 7.12 કરોડની ઠગાઈની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહીથી 7.11 કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા હતા.

Happy New Year Link Scam:‘ગોલ્ડન અવર’માં ફરિયાદ કરવી સૌથી અસરકારક
સાયબર સેલે સ્પષ્ટ કર્યું છે કે ફ્રોડ થયાની જાણ થતા જ તરત 1930 હેલ્પલાઈન પર કોલ કરવો અત્યંત જરૂરી છે. પ્રથમ થોડા કલાકો એટલે કે ‘ગોલ્ડન અવર’માં ફરિયાદ થાય તો પૈસા બચવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
નવા વર્ષની આડમાં ઠગાઈની આશંકા, હાઈએલર્ટ જાહેર
121 કરોડની સાયબર લૂંટ બાદ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે હાઈએલર્ટ જાહેર કરી છે. ખાસ કરીને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન ‘હેપ્પી ન્યૂ યર’ની શુભેચ્છા સાથે આવતી અજાણી લિન્કથી દૂર રહેવા જનતાને તાકીદ કરાઈ છે.
‘હેપ્પી ન્યૂ યર’ લિન્ક કેવી રીતે કરે છે ઠગાઈ?
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અજાણ્યા નંબરથી વોટ્સએપ કે મેસેજ દ્વારા ‘હેપ્પી ન્યૂ યર’ ગ્રિટીંગ કાર્ડ, ગિફ્ટ અથવા શુભેચ્છાની લિન્ક મોકલવામાં આવે છે. લિન્ક ખોલતા જ ફોનમાં વાયરસ એન્ટર થાય છે, જેના કારણે ફોન હેક થઈ શકે છે. આ રીતે હેકર બેંક વિગતો, OTP, ગેલેરી, કોન્ટેક્ટ્સ સહિતનો ડેટા ચોરી શકે છે અને ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે.
પીડીએફ, ફાઈલ કે લિન્કથી પણ ખતરો
ગંભીર બાબત એ છે કે કેટલીક વખત સરકારી વિભાગ, નેતા, મંત્રી અથવા જાણીતી કંપનીના નામે પણ લિન્ક મોકલવામાં આવે છે. આ લિન્કથી ફોન કોલ રેકોર્ડિંગ, ડેટા ચોરી, GPS લોકેશન ટ્રેકિંગ અને સોશિયલ નેટવર્ક મેપિંગ જેવી પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે. અજાણી પીડીએફ, PPT કે અન્ય ફાઈલ ડાઉનલોડ ન કરવા પણ સાયબર સેલે ચેતવણી આપી છે.
સાયબર સેલની જનતાને અપીલ
સાયબર સેલે અપીલ કરી છે કે અજાણ્યા નંબરથી આવેલા ‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની લિન્ક ખોલશો નહીં. શંકાસ્પદ લિન્ક કે મેસેજ મળે તો તરત 1930 પર જાણ કરો અને નવા વર્ષને ડિજિટલ રીતે સુરક્ષિત બનાવો.
આ પણ વાંચો :Indian Railways Offers :નવા વર્ષે ભારતીય રેલવેની ભેટ: જનરલ ટ્રેન ટિકિટ હવે થશે વધુ સસ્તી




