રોજગાર આપવામાં દેશભરમાં ગુજરાત નંબર વન- શુ છે રોજગાર આપવાની રણનીતિ!

0
78
ગુજરાત રોજગાર
ગુજરાત રોજગાર

ગુજરાત એ અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ ૨૦૦૨થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ મુજબ વર્ષ ૨૦૨૨ દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

રાજ્યના યુવાધનને યોગ્ય રોજગારી મળી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૨-૨૩ દરમિયાન ૫ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં ૭ હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે ૮ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.

દેશની ૪૩ ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી

આટલું જ નહિ, ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઓનલાઈન વ્યવસ્થાથી પૂરી પડવાના હેતુ સાથે રાજ્ય સરકારે નવતર પહેલના ભાગરૂપે “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવી છે. આજે આ વેબપોર્ટલ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહી છે,

એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ૨૦૨૩માં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશભરના રાજ્યો દ્વારા કુલ ૬,૪૪,૬૦૦ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના ૪૩ ટકા એટલે કે ૨,૭૪,૮૦૦ જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી ૧૩,૬૭,૬૦૦ જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત ૩,૫૯,૯૦૦ ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.

અનુ. જાતિ અને અનુ. જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત પ્રથમ

ગત માર્ચ-૨૦૨૩માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ છે. ભારતમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન અનુસૂચિત જાતિના ૩૮,૭૦૦ યુવાનોને રોજગારી આપવામાં આવી, જેની સામે ગુજરાતમાં તેના ૫૮ ટકા એટલે કે, ૨૨,૬૦૦ અનુસૂચિત જાતિના યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના ૨૨,૦૦૦ ઉમેદવારોને વર્ષ ૨૦૨૨માં નોકરી મળી, તેના ૮૬ ટકા એટલે કે ૧૯,૧૦૦ અનુ. જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાઈ છે.

મહિલાઓને રોજગારી આપવામાં ગુજરાત બીજા ક્રમે

ગુજરાત રાજ્ય માત્ર પુરુષોને જ નહિ, મહિલાઓને પણ આજે રોજગારીની સમાન તકો પૂરી પાડી રહ્યું છે. અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ ૧,૨૨,૭૦૦ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા ૪૫,૮૦૦ એટલે કે ૩૭ ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજગારવાન્છું મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી ૮ ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો ૭૫ ટકા જેટલો છે.