Gujarat Cabinet Decision: રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતા માટે મોટી રાહતરૂપ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આજે યોજાયેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિતના કુલ 18 પ્રકારના પ્રમાણપત્રો હવે 1 એપ્રિલ 2026થી ઓનલાઈન ઉપલબ્ધ કરાશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ થશે.
Gujarat Cabinet Decision: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દર વર્ષે શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. આ માટે લોકોને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને એડમિશનની સમયમર્યાદાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
Gujarat Cabinet Decision: ફેસલેસ અને ઓનલાઈન પ્રક્રિયા થશે
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને ફેસલેસ બનાવવાની સૂચના આપી હતી. તેના પરિણામે હવે 1 એપ્રિલથી વિવિધ યોજનાઓ અને શૈક્ષણિક હેતુઓ માટે જરૂરી તમામ દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ થશે. આથી લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થશે.
મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે ડિજિટલ પ્રક્રિયાની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

કલાકારો અંગે પણ પ્રતિક્રિયા
આ ઉપરાંત, કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ મુદ્દે પ્રતિક્રિયા આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે. કલાકારો સમાજના સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે, તેથી તેમના પર કોઈ પણ પ્રકારની ટીકા કે ટિપ્પણી થવી યોગ્ય નથી.
કોંગ્રેસ પર આક્ષેપ
પ્રવક્તા મંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ સનાતન વિરોધી વલણ ધરાવે છે અને વોટબેંકની રાજનીતિ કરે છે. પાર્ટી આજે લોક સ્વીકૃતિ માટે વલખાં મારી રહી છે, પરંતુ સનાતન સંસ્કૃતિ સામે તેનો વિરોધ નવી બાબત નથી.
રાજ્ય સરકારના આ નિર્ણયને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતા માટે એક મોટો રાહતરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં યુવતીએ એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી, CCTV સામે આવ્યા




