Goa Zilla Panchayat Election Results:મહારાષ્ટ્ર બાદ હવે ગોવામાં પણ સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. ગોવામાં યોજાયેલી જિલ્લા પંચાયતની 50 બેઠકો માટેની ચૂંટણીના પરિણામો આજે (22 ડિસેમ્બર) જાહેર થયા હતા, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે જીતનો પરચમ લહેરાવ્યો છે.

Goa Zilla Panchayat Election Results : ભાજપે 30 બેઠકો પર મેળવી જીત
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપે કુલ 50માંથી 30 બેઠકો જીતતા પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 8 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને પણ મોટો ઝટકો લાગ્યો છે અને પાર્ટીને માત્ર 2 બેઠકો જ મળી છે. અપક્ષ ઉમેદવારોએ 5 બેઠકો પર જીત મેળવી છે.
ભારે મતદાન નોંધાયું

ગત 20 ડિસેમ્બરે યોજાયેલી આ ચૂંટણીમાં ગોવામાં 71 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, આશરે 8 લાખ મતદારોમાંથી 70.81 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે રાજ્યભરમાં 1,284 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. કુલ 226 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમની કિસ્મત મતપેટીમાં બંધ થઈ હતી.
Goa Zilla Panchayat Election Results : ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ (50 બેઠક)
- ભાજપ: 30
- કોંગ્રેસ: 8
- અપક્ષ: 5
- MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી): 2
- AAP (આમ આદમી પાર્ટી): 2
- RGP (રિવોલ્યુશનરી ગોવાન્સ પાર્ટી): 2
- GFP (ગોવા ફોરવર્ડ પાર્ટી): 1
ભાજપ માટે ઉત્સાહજનક પરિણામ
આ પરિણામોને ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ ગોવામાં મળેલી આ જીતથી ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે, જ્યારે કોંગ્રેસ અને AAP માટે આ પરિણામ ચિંતાજનક સાબિત થયા છે.
કુલ મળીને, ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં ભાજપની મજબૂત પકડ ફરી એકવાર સ્પષ્ટ કરી છે.



