Geniben Thakor: 2024ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સુરત બેઠકને બિનહરીફ બનાવી પ્રધાનમંત્રીને ભાજપની પ્રથમ લોકસભા બેઠક આપનાર ગુજરાતમાં ભાજપની સળંગ હેટ્રીક ક્લીન સ્વીપને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે અટકાવી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું સ્વપ્ન સળંગ 26 બેઠકો જીતી, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવવાની હતી, જે સફળ થઈ નહીં.
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા માટે પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. માંડ એક ચૂંટણી પતી ત્યાં હવે ગુજરાતમાં ફરી એક બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડશે. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા સીટ પરથી સિટિંગ ધારાસભ્ય હતા, હવે તેઓ સાંસદ તરીકે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેને લઈ આ બેઠક પર છ માસની અંદર પેટા ચૂંટણી યોજવામાં આવશે.

વાવ વિધાનસભા બેઠક પેટાચૂંટણી
ગુજરાતમાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી બનાસકાંઠા બેઠક ભારે ચર્ચામાં રહી હતી. આ બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે શ્વાસ થંભાવી દેતી ખરાખરીની જંગ જામી હતી. કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor)ને ટિકિટ આપી હતી, તો ભાજપે બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ઠાકોર ચર્ચામાં રહ્યા હતા. તેમણેનું સૂત્ર ‘બનાસની બેન ગેનીબેન’ ઘર ઘર સુધી પહોંચ્યું અને જનતાએ પણ ગેનીબેન પર વિશ્વાસ મુકી જીતાડ્યા છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠક પર ધારાસભ્ય હતા, હવે તેઓ લોકસભામાં ચૂંટાઈ આવતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. આ બેઠક પર હવે છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી પડશે.
વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે અને આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અથવા ફરી કોઈ ઠાકોર નેતાને અહીંથી ટિકિટ આપે તેવી શકતાઓ સેવાય રહી છે. બીજી તરફ ભાજપ વાવ બેઠક પરથી હારતું આવ્યું છે, હવે જોવાનું રહ્યું કે ભાજપ આ ખાલી થયેલી બેઠક પરથી કોને મેદાનમાં ઉતારે છે. એવામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતા ગોવાભાઈ રબારી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ મગનભાઈ માળીનું નામ પણ ચર્ચામાં આવી શકે તેમ છે.
Geniben Thakor: બનાસની ‘બેન’ ગેનીબેન

વિજેતા થયા બાદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ભાવુક થયા હતા. તેમણે બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જનતાએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે, તે રીતે લોકોના કામ માટે હું હંમેશા ખડેપગે રહીશ. જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત પર પ્રતિક્રિયા આપતા આ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, લોકોએ ભાજપને જાકારો આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં આવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકો તેમને ઓળખી ગયા છે.
બનાસકાંઠા લોકસભા અને વિધાનસભા બેઠક વિશે જાણો
બનાસકાંઠા લોકસભા હેઠળ સાત વિધાનસભા બેઠકો આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો વાવ અને દાંતા બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ધાનેરાની બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા હતા.
છેલ્લે બનાસકાંઠાની લોકસભા બેઠક પર કૉંગ્રેસે 2009માં જીતી હતી. ગત ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલનો અહીંથી 3.68 લાખ મતે વિજય થયો હતો. કૉંગ્રેસ તેમની સામે પરથી ગલબાભાઈ ભટોળને ઉતાર્યા હતા. જોકે, આ વખતે ભાજપે પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને ડૉ. રેખાબહેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં હતાં.
કોણ છે રેખાબહેન ચૌધરી ?
રેખાબહેન પોતે ઍન્જિનયરિંગ કૉલેજમાં પ્રોફેસર અને સામાજિક કાર્યકર રહ્યાં છે. રેખા ચૌધરીના પતિ ડૉક્ટર હિતેશ ચૌધરી રાજકારણમાં સક્રિય છે અને હાલમાં ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી છે. રેખા ચૌધરી પોતે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલનાં પૌત્રી છે. એક વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રેખાબહેન ચૌધરી પાસે આઠ કરોડ 34 લાખથી વધારેની કિંમતની મિલકત છે. આ ઉપરાંત તેમણે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચડી કર્યું છે.
ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકારના જણાવ્યાનુસાર, ભાજપે બનાસકાંઠામાં આંતરિક વિવાદને ટાળવા માટે એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબહેનને ટિકિટ આપી હતી. આ ઉપરાંત રેખાબેન ચૌધરીના દાદાએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી અને તેઓ આજીવન કૉંગ્રેસી રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે સીધા જ જોડાયેલા છે. આ ઉપરાંત બનાસ ડેરીમાં નોકરી કરતા 80-85 ટકા લોકો ચૌધરી સમાજમાંથી આવે છે અને એ રીતે સહકારી ક્ષેત્રમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે.
અત્રે ઉલ્લખનીય છે કે, બનાસકાંઠા, પાટણ વગેરે વિસ્તારો દાયકાઓથી કૉંગ્રેસનો ગઢ રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે પણ અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ જીતતી આવી છે. એક અંદાજ પ્રમાણે બનાસકાંઠામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. આથી જો, બંને સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો અહીં દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કૉમ્બિનેશન પણ ઉમેદવારની જીત નક્કી કરવામાં અગત્યનું પરિબળ સાબિત થાય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો