જી -20 સમિટ બેઠક- બાઇડેનથી સુનક સુધી… રાજધાની દિલ્હીની કઇ હોટેલમાં કયા મહેમાન રોકાશે, જાણો સંપૂર્ણ વિગતો..

0
259
બેઠક સમિટ
બેઠક સમિટ

દેશની રાજધાની દિલ્હી માં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહ G20ના નેતાઓની સમિટ યોજાવા જઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનથી  લઈને બ્રિટન, કેનેડા, ચીન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો પણ ભારતની રાજધાની માં પહેલીવાર યોજાઈ રહેલા સમૂહ G20 સમિટ 2023માં ભાગ લઈ રહ્યા છે. તેમાં લગભગ 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જેના કારણે રાજધાની દિલ્હી માં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં આ વિશ્વ નેતાઓની બેઠક યોજાઈ રહી છે, તે સ્થળોએ અનેક લેયરમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો જાણીએ, વિશ્વના કયા નેતા કઈ હોટલમાં ઉતરવાના છે. 

 યુક્રેન યુદ્ધને લઈને ઊંડા ભૂ-રાજકીય વિભાજન વચ્ચે જી-20 સમિટમાં વિશ્વની ઘણી ગંભીર સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે. આવા કિસ્સાઓ વૈશ્વિક સ્તરે પ્રગતિ માટે મોટો ખતરો ઉભો કરી રહ્યા છે. આ સિવાય વિશ્વના નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને ઉભી થયેલી ચિંતાઓ પર પણ ચર્ચા કરશે. ભારત આ બધા માટે યજમાન દેશની ભૂમિકામાં છે, જેના કારણે તેણે તમામ તૈયારીઓ કરવી પડશે. ખાસ કરીને સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

G20ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસ ડ્રોન તૈનાત કર્યા છે. ભીંતચિત્રો બનાવવાની સાથે સાથે લંગુરના કટઆઉટનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વાંદરાઓને ભગાડી શકાય. આ તમામ પગલાં G20 સમિટની તૈયારીમાં લેવામાં આવ્યા છે.

એક નજરમાં કોણ હશે નેતા, ક્યાં રોકાશે
યુએસ પ્રમુખ જો બિડેન : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન શુક્રવારે નવી દિલ્હી પહોંચી રહ્યા છે.  જેઓ ITC મૌર્યમાં રહેશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે અને સમિટમાં સ્વચ્છ ઉર્જા પરિવર્તન અને આબોહવા પરિવર્તન અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોટલમાં લગભગ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. જો બિડેન અહીં પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રહેવાના છે.

G-20 કોન્ફરન્સ માટે ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે. અહીંથી જો બિડેનના સમગ્ર રૂટ પર નજર રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. મોંઘા વાહનો, હથિયારો અને બુલેટ સહિત સુરક્ષા સંબંધિત અન્ય ઘણી વસ્તુઓ અહીં લાવવામાં આવી ચૂકી છે. અમેરિકી રાષ્ટ્રપતિ દિલ્હીમાં તેમના પ્રખ્યાત વાહન ધ બીસ્ટમાં ડ્રાઇવ કરશે. આ કારની કિંમત લગભગ દોઢ મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. આ કાર બુલેટપ્રુફ છે. તેના પર બોમ્બથી હુમલો કરવો પણ શક્ય નથી.

બ્રિટિશ પીએમ ઋષિ સુનક
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. બ્રિટિશ પીએમ સુનક જી-20 સમિટમાં ભાગ લેશે. તેઓ શાંગરીલા હોટેલમાં રોકાશે. સમિટ પહેલા 43 વર્ષીય બ્રિટિશ પીએમ સુનાકે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારત ‘યોગ્ય સમયે યોગ્ય દેશ’ છે.

ચીનના વડાપ્રધાન લી કિઆંગ
રાષ્ટ્રપતિ શી જિનપિંગ જી-20 સમિટમાં ભાગ લઈ રહ્યા નથી. તેના ભારત ન આવવા અંગેની શંકા દૂર થઈ ગઈ છે. તેમના સ્થાને વડાપ્રધાન લી કિઆંગ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પરંતુ બિડેન સાથે તેમની મુલાકાતની શક્યતા ઓછી જણાય છે. ચીનનું પ્રતિનિધિમંડળ દિલ્હીની તાજ હોટલમાં રોકાશે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ચીની રાષ્ટ્રપતિ G20 નેતાઓની સમિટમાં ભાગ લઈ રહ્યા નથી. તાજ હોટલની આસપાસ અને સમગ્ર રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો શનિવાર અને રવિવારે G20 સમિટ માટે નવી દિલ્હી પહોંચતા પહેલાં આસિયાન સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાની મુલાકાતે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો નવી દિલ્હીની લલિત હોટલમાં રોકાશે. જેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ
G20 સમિટમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ તેમની 3 દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. ભારતના પ્રવાસ પહેલા એન્થોની અલ્બેનીઝ ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના પ્રવાસે પણ છે. G20 સમિટ માટે આવનાર ઓસ્ટ્રેલિયન પીએમ ઈમ્પિરિયલ હોટેલમાં રોકાશે.