From Germany to Surat: ભારતની મહેમાનગતિ અને ‘અતિથિ દેવો ભવ:’ની ભાવનાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે સુરતની એક સરકારી હોસ્પિટલે માનવતા અને કાર્યક્ષમતાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેની ચર્ચા સાત સમુદ્ર પાર જર્મની સુધી પહોંચી છે. સુરતમાં રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ સારવાર માટે પહોંચેલા એક જર્મન પ્રવાસીનો અનુભવ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

From Germany to Surat: શું હતી સમગ્ર ઘટના?
જર્મનીથી ભારતની મુલાકાતે આવેલા પ્રવાસી ડેવિડ નેવેલ ગત રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેમને બચકું ભર્યું હતું. હડકવા (Rabies) જેવી જીવલેણ બીમારીના જોખમને ટાળવા માટે તાત્કાલિક રસીકરણ જરૂરી હતું. ડેવિડ ગભરાયેલી હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને ડર હતો કે વિદેશી હોવાને કારણે કદાચ લાંબી પ્રક્રિયા અને મોટો ખર્ચ થશે, પરંતુ ત્યાં જે થયું તેણે તેમને ચોંકાવી દીધા.

From Germany to Surat: જર્મની સાથે કરી સરખામણી
ડેવિડે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં તેમને એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નથી. તેમને જરૂરી તમામ ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર તદ્દન મફત આપવામાં આવી હતી. ડેવિડે પોતાના દેશની હેલ્થ સિસ્ટમ સાથે સરખામણી કરતા કહ્યું કે:
“હું ખરેખર આશ્ચર્યચકિત છું! જો જર્મનીમાં કોઈ વિદેશીને આવી રીતે ઈજા થાય, તો ત્યાં તેને મફતમાં સારવાર મળવી લગભગ અશક્ય છે. ભારતની આ વ્યવસ્થા ખરેખર પ્રભાવશાળી છે.”

From Germany to Surat: હોસ્પિટલની સ્વચ્છતા અને સ્પીડના વખાણ
ડેવિડ માત્ર મફત સારવાર જ નહીં, પણ હોસ્પિટલની ઝડપ (Speed) અને સ્વચ્છતા જોઈને પણ પ્રભાવિત થયા હતા. તેમણે વીડિયોમાં પોતાનું વેક્સિનેશન કાર્ડ બતાવતા કહ્યું કે, ડોક્ટરોએ તેમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા અને કુલ 4 ઇન્જેક્શનનો કોર્સ પણ નિઃશુલ્ક નક્કી કરી આપ્યો. તેમણે ભારતની સરકારી સુવિધા માટે ‘Dope’ અને ‘Impressive’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

From Germany to Surat: સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ વીડિયોને અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. નેટીઝન્સ આ મામલે રમુજી અને ગર્વભરી ટિપ્પણીઓ કરી રહ્યા છે:
- એક યુઝરે લખ્યું, “જો તમે અત્યારે અમેરિકામાં હોત, તો તમારી પાંચ વર્ષની બચત આ સારવારમાં સાફ થઈ ગઈ હોત.”
- બીજા એક ભારતીયે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, “જર્મનીમાં સર્જરી માટે લાંબુ વેઇટિંગ હોવાથી હું પોતે ઓપરેશન કરાવવા ભારત પાછો આવ્યો હતો.”
આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભારતની જાહેર આરોગ્ય સેવાઓ માત્ર દેશના નાગરિકો માટે જ નહીં, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા વિદેશી મહેમાનો માટે પણ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




