Fatal Crash Near Karjan: નેશનલ હાઈવે 48 પર આજે 10 એપ્રિલની વહેલી સવારે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. કરજણના હલદરવા ગામ પાસે ઉભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કાર ધડાકાભેર ઘૂસી જતાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગે કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

Fatal Crash Near Karjan: ‘માફિયા મુંડીર’ લખેલી કારનો કચ્ચરઘાણ
મળતી માહિતી મુજબ, GJ16DS3079 નંબરની અર્ટિગા કાર સુરતથી ભરૂચ તરફ જઈ રહી હતી. આ કાર પર ‘માફિયા મુંડીર’ લખેલું હતું. કરજણ પાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર એટલી જોરથી ભટકાઈ હતી કે કારનો આગળનો ભાગ લોખંડના ગઠ્ઠા જેવો બની ગયો હતો. ડ્રાઈવરની બાજુમાં બેસેલા 24 વર્ષીય યુવક આકાશ અનિલભાઈ સોલંકીનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Fatal Crash Near Karjan: હાઈડ્રોલિક સાધનો વડે પતરા કાપવા પડ્યા
અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આધુનિક હાઈડ્રોલિક સાધનો અને કટર વડે કારના પતરા કાપીને ભારે જહેમત બાદ આકાશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક યુવકના માથામાંથી માસના લોચા બહાર નીકળી ગયા હતા, જે જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.

Fatal Crash Near Karjan: ત્રણ લોકો ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી ડ્રાઈવર અને અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સાવલી આઉટ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલી ટ્રક અકસ્માતનું કારણ બની હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




