Fake Cosmetic Products:ઓનલાઇન શોપિંગના વધતા ટ્રેન્ડ વચ્ચે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. જાણીતી કોસ્મેટિક બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવી તેને મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર અસલી પેકેજિંગમાં વેચાતું એક મોટું નેટવર્ક ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે આશરે ₹8,21,700 કિંમતનો ડુપ્લીકેટ કોસ્મેટિક સામાન જપ્ત કર્યો છે, જે સીધો ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ હોવાનું બહાર આવ્યું છે.
Fake Cosmetic Products:ઓનલાઇન ગ્રાહકોને છેતરવાની શાતિર રીત

પોલીસ તપાસ મુજબ આ કૌભાંડનો મુખ્ય આરોપી હિતેષ ભરતભાઈ કાતરીયા છે, જે ગોડાદરાના મણીભદ્ર કેમ્પસમાં ‘વામસી એન્ટરપ્રાઈઝ’ નામે યુનિટ ચલાવતો હતો. અહીં Manash Lifestyle Private Limited કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ્સ GOOD VIBES અને DERMDOC HONEST SCIENCEના નામે નકલી ફેસ સીરમ અને સ્કિન કેર પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હતી.
આરોપી ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે Flipkartના લોગોવાળી સેલો ટેપ, અસલી જેવા દેખાતા સ્ટીકરો અને પેકેજિંગનો ઉપયોગ કરતો હતો. ગ્રાહક જ્યારે ઓનલાઇન ઓર્ડર આપતો, ત્યારે તેને ફ્લિપકાર્ટના પેકિંગમાં જ માલ મળતો હોવાથી અંદર રહેલી પ્રોડક્ટ નકલી છે તે અંગે શંકા પણ થતી નહોતી.
Fake Cosmetic Products:મોટી માત્રામાં નકલી જથ્થો જપ્ત
પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી નીચે મુજબનો મોટો નકલી જથ્થો ઝડપાયો છે:
- Good Vibes Vitamin C & E Face Serum – 160 બોટલ
- Dermdoc 10% Niacinamide Face Serum – 775 બોટલ
- Dermdoc 5% Glycolic Acid – 1281 બોટલ
- 2000થી વધુ નકલી સ્ટીકરો
- 700થી વધુ ખાલી ડબ્બીઓ
પોલીસે જણાવ્યું કે આ ખાલી ડબ્બીઓમાં ભરવામાં આવતું લિક્વિડ કંપનીના કોઈ પણ અધિકૃત માપદંડ મુજબનું નહોતું. આવી નકલી પ્રોડક્ટ્સ ત્વચા પર લગાવવાથી એલર્જી, ચામડી બળવી જવી કે કાયમી નુકસાન થવાની શક્યતા રહેલી છે.

લાયસન્સ અને બિલ વિના વેચાણ
મુંબઈ સ્થિત કંપનીના લીગલ એટોર્ની નાગેશ્વર કુંભારે દરોડા સમયે હાજરી આપી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી પાસે માલ વેચાણ માટેનું કોઈ બિલ કે લાયસન્સ નહોતું. સુરત પોલીસે આરોપી સામે કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે.
ગ્રાહકો માટે ચેતવણી
પોલીસે ગ્રાહકોને અપીલ કરી છે કે ઓનલાઇન શોપિંગ કરતી વખતે સેલરના રેટિંગ, રિવ્યૂ અને ખૂબ વધારે ડિસ્કાઉન્ટ સામે સાવચેત રહેવું જોઈએ. માત્ર સસ્તી કિંમતના લાલચે સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે સતર્કતા રાખવી જરૂરી છે.
આ કિસ્સો ઓનલાઇન શોપિંગ કરતી જનતા માટે એક મોટો બોધપાઠ સમાન છે.
આ પણ વાંચો :Indian Railway: રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, મુસાફરો માટે મહત્વના ફેરફાર




