Driven to Suicide: સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની મોટી હીરા કંપનીમાં છેલ્લા ૩૨ વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાછાણીએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) દ્વારા લગાવાયેલા ચોરીના ખોટા આક્ષેપો અને માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે કેશોદ પોલીસે કંપનીના MD વરુણ લાખાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Driven to Suicide: 32 વર્ષની વફાદારી સામે ટેબલ-ખુરશી ચોરીનો આક્ષેપ!
મળતી વિગતો મુજબ, મૂળ માળિયા હાટીનાના જૂથળ ગામના વતની અને હાલ સુરતના કામરેજમાં રહેતા ૫૪ વર્ષીય પ્રવીણભાઈ કાનજીભાઈ વાછાણી વરાછા ખાતે આવેલી ‘કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમટેડ’ની પેટા કંપની ‘અમૃત ટૂલ્સ’માં છેલ્લા ૩૨ વર્ષથી મેનેજર તરીકે ખૂબ જ પ્રામાણિકતાથી નોકરી કરતા હતા.
મૃતકના પુત્ર પ્રિન્સ વાછાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં કંપનીના MD વરુણભાઈ બાબુભાઈ લાખાણીએ પ્રવીણભાઈ ઉપર કારખાનામાંથી લાકડાના ટેબલ, ખુરશી, એમસીબી સ્વિચ અને નેટ કેબલ જેવો સામાન પૂછ્યા વગર લઈ જવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં આ સામાન ઓફિસના કામ માટે હેડ કર્મચારીની મંજૂરીથી જ લેવાયો હતો અને બાદમાં તે પરત પણ કરી દેવામાં આવ્યો હતો.

Driven to Suicide: ‘તમારી જગ્યાએ બીજાને રાખી લીધા છે…’ અને પ્રવીણભાઈ તૂટી પડ્યા
ટેબલ-ખુરશી પરત કરી દીધા હોવા છતાં, MD વરુણ લાખાણી દ્વારા પ્રવીણભાઈ પર ‘ડાયમંડ પાવડર’ ચોરી કરવાનો નવો ખોટો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સાથે જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની અને સામાજિક રીતે બદનામ કરવાની ધમકીઓ આપી અવારનવાર અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
પિતા ડિપ્રેશનમાં ન આવી જાય તે હેતુથી પુત્ર પ્રિન્સે પિતાને કેશોદના સોંદરડા ગામે તેમના સસરાના ઘરે (મોસાળમાં) મોકલી દીધા હતા. પ્રવીણભાઈ છેલ્લા એકાદ અઠવાડિયાથી ત્યાં જ હતા. આ દરમિયાન કંપનીના હેડનો ફોન આવ્યો કે, “તમારી જગ્યાએ બીજા માણસને નોકરી પર રાખી લેવામાં આવ્યો છે.” આ શબ્દો સાંભળતા જ ૩૨ વર્ષથી જે કંપનીને લોહી-પાણી એક કરીને સીંચી હતી, ત્યાંથી આ પ્રકારે હાંકી કઢાતા પ્રવીણભાઈ આઘાત સહન ન કરી શક્યા.
Driven to Suicide: હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદન (DY) લેવાયું, ગઈકાલે દમ તોડ્યો
જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, ગત ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈએ સોંદરડા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સંબંધિત મેજિસ્ટ્રેટ દ્વારા પ્રવીણભાઈનું ‘ડાઇંગ ડેક્લેરેશન’ (મરણોન્મુખ નિવેદન) લેવામાં આવ્યું હતું, જેમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અને માનસિક ત્રાસની આપવીતી વર્ણવી હતી. ગઈકાલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેમનું કરુણ અવસાન થયું હતું. હાલ પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં ગુનો નોંધી કડક તપાસ ચલાવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




