Delhi news :દિલ્હી–એનસીઆરમાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણનું ગંભીર સંયોજન સર્જાયું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર એક જ દિવસમાં 30 જેટલા અકસ્માતો થયા હતા, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી જતાં દિલ્હી–મુંબઈ હાઈવે પર વાહનો એક પછી એક અથડાયા હતા. ફરીદાબાદ નજીક બે ગંભીર અકસ્માતોમાં CISFના એક ઈન્સ્પેક્ટરનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણાના નૂંહ વિસ્તારમાં વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ ગાઢ ધુમ્મસને કારણે લગભગ 30 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા, જેના પરિણામે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
Delhi news :હવાઈ અને રેલ સેવાઓ પર ગંભીર અસર
ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર હવાઈ અને રેલવે સેવાઓ પર પડી હતી. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ વહેલી સવારથી જ લો વિઝિબિલિટીની ચેતવણી આપતા અનેક ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. ધુમ્મસના કારણે ટેકઓફ અને લેન્ડિંગ જોખમી બનતાં 225 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 200 જેટલી ફ્લાઈટ્સ મોડું પડી હતી. અનેક ફ્લાઈટ્સને જયપુર તરફ ડાયવર્ટ કરવી પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત, ધુમ્મસના કારણે રેલવે સેવાઓ પણ ખોરવાઈ હતી. દિલ્હી તરફ આવતી અને દિલ્હીથી જતી અનેક ટ્રેનો અટકાવવામાં આવી હતી, જેના કારણે અનેક ટ્રેનોનું સમયપત્રક બગડી ગયું હતું.
Delhi news :દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે

દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિમાં કોઈ રાહત જોવા મળી નથી. ગાઢ ઝાકળ અને ધુમ્મસના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. શહેરના કેટલાક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 493 સુધી પહોંચ્યો, જે ‘સિવિયર’ કેટેગરીમાં આવે છે. પ્રદૂષણ અને ધુમ્મસના ડબલ હુમલાથી બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓ માટે સ્થિતિ વધુ જોખમી બની છે.
Delhi news :ઉત્તર ભારતમાં વધુ ઠંડીની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. દિલ્હીમાં 17 ડિસેમ્બરથી કાતિલ ઠંડી અનુભવાશે. પંજાબ અને હરિયાણામાં ઝાકળ વધવાની સાથે તાપમાનમાં ઘટાડો થશે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસમાં હળવા વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે.
હિમાલય વિસ્તારમાંથી ફૂંકાતી ઠંડી હવાના કારણે દેશના 12થી 15 રાજ્યોમાં સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સપ્તાહના અંત સુધીમાં સમગ્ર દેશમાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.




