ગુજરાતમાં ‘બિપોરજોય’ વાવાઝોડાની અસર શરૂ

0
60

જામનગરના ૨૨ ગામો એલર્ટ પર

કચ્છના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ

ગોમતીઘાટ પર 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

ગુજરાતમાં ‘બિપોરજોય’ વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ રહી છે, જેના કારણે અહીં તંત્ર સતર્ક બન્યું છે. હાલમાં અહીં દરિયાકિનારાના તાલુકાઓમાં તંત્રને સ્થળ ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગાંધીનગર તરફથી પણ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની અસર વર્તાય તેવી શકયતા છે. કચ્છના દરેક બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે. કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદર પર લગભગ એક હજાર જેટલી બોટો લાંગરી દેવામાં આવી છે. માછીમારો ઉપરાંત દરિયાઈ કાંઠેથી નજીક રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના અપાઇ છે. જામનગર જિલ્લામાં 22 જેટલા ગામો દરિયાકિનારે આવેલા હોવાથી તેઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. અહીંના 70000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર સજ્જ છે. હાલમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતીઘાટ પર 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.