Cyber Mafia: ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 3 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે ₹13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર હિરેન લક્ષ્મણભાઈ પટેલને વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
Cyber Mafia: સફેદપોશ વેપારીનો કાળો કારોબાર

પકડાયેલ આરોપી હિરેન પટેલ સમાજમાં પ્રતિષ્ઠિત છાપ ધરાવતો હતો. તે છેલ્લા 5 વર્ષથી બેચરાજી APMCમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને પોતાની પેઢી પણ ચલાવે છે. દિવસે વેપાર અને સમાજસેવાની વાતો કરતો આ શખ્સ રાત્રે સાયબર માફિયાઓ સાથે મળીને કરોડોના કૌભાંડ આચરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
Cyber Mafia: પત્નીના નામે ખાતું ખોલાવી ખેલ પાડ્યો
તપાસમાં ખુલાસો થયો છે કે હિરેને પોતાની પત્ની પ્રેમીલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં દેશભરના સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોના નાણાં જમા થતા હતા.
- મોડસ ઓપરેન્ડી: હિરેન પોતે જ ચેક દ્વારા આ નાણાં ઉપાડી લેતો હતો.
- પત્ની જેલમાં: આ જ ગુનામાં તેની પત્નીની 8 જાન્યુઆરીએ ધરપકડ થઈ હતી, જે હાલ પાટણની જેલમાં છે.
Cyber Mafia: 10 રાજ્યોની પોલીસ હતી પાછળ
હિરેન પટેલનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું. તેની સામે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત 10 રાજ્યોમાં 21થી વધુ ફરિયાદો નોંધાયેલી છે.
- એકલા મુંબઈ સાઉથ સાયબર ક્રાઈમમાં જ ₹5.88 કરોડનું ફ્રોડ નોંધાયું છે.
- પોલીસને તેના HDFC બેંકના ખાતામાં એક જ દિવસમાં ₹5 કરોડની લેણદેણ મળી આવી છે, જે સાયબર ક્રાઈમના મોટા આંતરરાજ્ય નેટવર્ક તરફ ઈશારો કરે છે.
ચેક રિટર્ન અને ફ્રોડનો ઈતિહાસ
આરોપી માત્ર સાયબર ગુનામાં જ નહીં, પણ આર્થિક છેતરપિંડીમાં પણ માહેર છે. તેની સામે મહેસાણામાં ₹12 લાખના ચેક રિટર્ન કેસ અને સુરતમાં ₹19.91 લાખના ફ્રોડની ફરિયાદ પણ નોંધાયેલી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે હિરેન પટેલનો કબજો બેચરાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો :24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, ધૂળેટીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; જાણો હોળી પ્રાગટ્યનું મુહૂર્ત




