સુરત એ ટેક્સટાઇલ્સનું હબ છે. અહીં મોટી સંખ્યામાં ફેક્ટરીઓ અને કારખાના આવેલા છે. શહેરમાંથી દેશ-વિદેશમાં કાપડ એક્સપોર્ટ થાય છે. એટલે સુરતમાં દરેક શેરી-ગલીમાં કાપડના પોટલા કે પછી કામ કરતા લોકો નજરે પડે છે. અહીં લાખો લોકો પોતાની રોજગારી કાપડ ઉદ્યોગમાંથી ચલાવે છે. ત્યારે સાડીના પોટલા બાઇક પર લઇને જવા કે પછી ઉપરથી નીચે ફેંકવા એ અહીં સામાન્ય છે. જેમાં ક્યારેક અણબનાવ પણ બનતા હોય છે. હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઉપરથી ફેંકતા સાડીના પોટલામાં નાની બાળકી ભોગ બને છે.
શહેરમાં એક બાળકી પર સાડીનું પોટલું પડતા ઘાયલ થઇ છે. જે ઘટના સીસીટીવી કેદ થઇ હતી. મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મકાનમાંથી સાડીના પોટલા ફેંકવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન ત્યાંથી પસાર થતી એક બાળકી પર સાડીનું પોટલું પડે છે. બાળકીના માથે સાડીનું પોટલું પડતા પહેલા તો તે ઉભી થઇ જાય છે. પરંતુ થોડી વારમાં નીચે પડી જાય છે. આ જોઇને લોકો દોડી આવી છે. બાળકીને માથાના ભાગમાં ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક મકાન પરથી સાડીના પોટલા ફેકવામાં આવી રહ્યા છે અને ત્યાંથી એક પોટલું બાળકીના માથા પર પડે છે અને બાદમાં તેને ઈજા થાય છે. હાલ આ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એકનું મોત થયુ હતુ જેમાં ઉપરથી કાપડના પોટલા નીચે ફેંકી રહ્યા હતા તે દરમ્યાન પગ લપસતા બેલેન્સ ગુમાવ્યુ હતુ. અને પોટલા સાથે કામ કરતો માણસ પણ નીચે પડ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતુ. આ રીતે ઉપરથી કાપડના પોટલા ફેંકતા લોકોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બને છે.