Chhotaudepur turkheda: છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે સગર્ભાનુ રસ્તાના વાકે ઝોળીમાં પ્રસુતિ અર્થે લઈ જતા રસ્તા વચ્ચે જ મૃત્યુ થયું હતું. તો ગુજરાત હાઈકોર્ટે પણ તેની ગંભીરતાની નોંધ લઈ સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ફટકાર લગાવી હતી. આ બનાવ બાદ સફાળી જાગેલી સરકારે તુરખેડા ગામને રોડની સુવિધા આપવા તાત્કાલિક 18.50 કરોડ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજુર કર્યા છે.
સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી નથી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી. પંચાયત માર્ગ મકાન વિભાગે અગાઉ તુરખેડા ગામના રસ્તા માટે 10 કરોડની માંગણી કરી હતી, અને સરકારમાં દરખાસ્તો મોકલી હતી,પરંતુ દરખાસ્તો ના મંજૂર થતાં ગામ અત્યાર સુધી રસ્તાથી વંચિત રહ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા બે વર્ષથી ખાલી છે. સરકાર આ જગ્યાએ ઇન્ચાર્જ વહીવટથી ચલાવે છે. વડોદરા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર છોટાઉદેપુરનો ચાર્જ સંભાળતા હોવાથી કાયમી આવી શકતા નથી.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં દર વર્ષે 200 કરોડથી વધુના કામો મંજૂર થતા હોય છે. જેથી આ કામગીરી સંભાળવા માટે કાયમી ઇજનેરની જરૂરિયાત છે,પણ સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી કરવામાં વિલંબ કરે છે, જેથી જિલ્લામાં જે જરૂરિયાતવાળા રસ્તા છે તેના પરત્વે કોઈ ધ્યાન આપી શકાતું નથી. જો અગાઉના વર્ષોમાં સરકારે ટુકડે ટુકડે પણ તુરખેડાનો રસ્તો બનાવવા ગ્રાન્ટ ફાળવી હોત તો સગર્ભા મહિલાને તેનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.
Chhotaudepur turkheda: મોત બાદ સરકારની આંખ ખૂલી
છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટનાને લઈને સરકાર અને પ્રશાસન સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટે પણ તેની ગંભીરતાની નોંધ લઈ સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ફટકાર લગાવી હતી. જેથી સરકારે રાતોરાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ખાતે રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો છે.
સમગ્ર બનાવની વિગત
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ તેના ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તુરખેડા ગામમાં 12 ફળિયા છે, જ્યારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. જ્યારે આ ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધ માં વિસ્થાપિત થયા છે. સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણની વાતો કરે છે. સમાનતાની વાત થાય છે ત્યારે અગાઉ પણ આ રીતે ત્રણ લોકોનું મૃત્ય થયું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો