ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું

0
168

ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની ૬૭મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે દિલ્હી ખાતે રમાઈ હતી. આ મહત્વની મેચમાં ચેન્નાઈએ ૭૭ રને ભવ્ય જીત હાંસલ કરી છે અને ૧૭ પોઈન્ટ મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ચેન્નાઈની શરુઆત શાનદાર રહી હતી. ઓપનર્સે પ્રથમ વિકેટ માટે શાનદાર શતકીય ભાગીદારી બનાવી હતી. ચેન્નાઈની પ્રથમ વિકેટ ૧૪૧ રને પડી હતી. ઋતુરાજ ગાયકવાડ ૭૯ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે બીજી તરફ કોન્વેએ પણ ૫૨ બોલમાં શાનદાર ૮૭ રન ફટકાર્યા હતા. આમ ચેન્નાઈએ ઝંઝાવતી બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૨૨૩ રનનો પહાડ ઉભો કર્યો હતો. ત્યારબાદ ૨૨૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ દિલ્હીની ટીમ આ મેચમાં ખૂબ જ નબળી સાબિત થઇ ગઈ હતી. દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. દિલ્હીએ માત્ર ૨૬ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો ૫ રન, સોલ્ટ ૩ રન અને રૂસો શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. ચેન્નાઈના બોલર્સની સામે દિલ્હીના બેટ્સમેનો નિષ્ફળ સાબિત થઇ ગયા હતા. દિલ્હી તરફથી એકમાત્ર કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર ૫૮ બોલમાં ૮૬ રન ફટકાર્યા હતા. દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે માત્ર ૧૪૬ રન બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી દીપક ચહરે ૪ ઓવરમાં ૨૨ રન આપીને સર્વાધિક ૩ વિકેટ ઝડપી હતી. શાનદાર જીતની સાથે ૧૭ પોઈન્ટ હાંસલ કરીને ચેન્નાઈએ પ્લેઓફમાં શાનદાર એન્ટ્રી મેળવી છે.