BMC Election 2026: મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી મહાનગરપાલિકા અને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી પહેલાં જ ભાજપ પ્રેરિત ‘મહાયુતિ’ ગઠબંધને મોટી રાજકીય મજબૂતી મેળવી લીધી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં મહાયુતિના કુલ 68 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, એટલે કે એક પણ મતદાન વિના જ તેમને જીત મળી છે.

BMC Election 2026: ભાજપનું પ્રભુત્વ, શિંદે જૂથ બીજા ક્રમે
મળતી માહિતી અનુસાર, આ 68 બિનહરીફ બેઠકોમાંથી ભાજપે સૌથી વધુ 44 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને 22 બેઠકો અને અજિત પવારની NCPને 2 બેઠકો મળી છે. ચૂંટણી પહેલાં જ મળેલી આ સફળતાને મહાયુતિ માટે મોટી માનસિક સરસાઈ તરીકે જોવામાં આવી રહી છે.
BMC Election 2026: કલ્યાણ-ડોમ્બિવલીમાં સૌથી વધુ બિનહરીફ જીત
થાણે જિલ્લાની કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં મહાયુતિના સૌથી વધુ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ ઉપરાંત પુણે, પિંપરી-ચિંચવડ, પનવેલ, ભિવંડી, ધુલે, જલગાંવ અને અહિલ્યાનગર જેવા મહત્ત્વના શહેરોમાં પણ મહાયુતિના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેના કારણે વિપક્ષમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પુણેમાં ભાજપનો દાવો : ‘મેયર અમારો જ હશે’
પુણે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 35માં ભાજપના ઉમેદવાર મંજૂષા નાગપુરે અને શ્રીકાંત જગતાપ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સફળતા બાદ કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે, ‘આ જીત ભાજપના સુશાસન પર લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.’ તેમણે દાવો કર્યો હતો કે પુણેમાં આગામી મેયર ભાજપનો જ હશે અને પાર્ટી કુલ 125 બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહી છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના ગંભીર આક્ષેપ
મહાયુતિની બિનહરીફ જીત સામે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ કડક વિરોધ નોંધાવ્યો છે. રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષી ઉમેદવારોને ED અને CBIનો ડર બતાવી અથવા નાણાકીય લાલચ આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે ચૂંટણી પંચના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા છે અને તેને ‘લોકશાહીની હત્યા’ ગણાવી છે.
ચૂંટણી કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ (BMC સહિત) માટે
- 15 જાન્યુઆરીએ મતદાન થશે
- 16 જાન્યુઆરીએ મતગણતરી યોજાશે
ચૂંટણી પહેલાં જ મળેલી આ બિનહરીફ જીતને કારણે મહાયુતિ ગઠબંધન મજબૂત સ્થિતિમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.



