ભાજપ એ લોકસભા ચૂંટણી માટે શરુ કરી કવાયદ, જાણો ક્યાં ક્યાં પ્રદેશ અધ્યક્ષની કરાઇ નિમણુંક

0
177
ભાજપ ચૂંટણી
ભાજપ ચૂંટણી

ભાજપ એ આગામી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખી પાર્ટી સંગઠનના સ્તરે ફેરફાર શરૂ કરી દીધા છે. આ ક્રમમાં ભાજપે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગણા, પંજાબ અને ઝારખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરી છે. ભાજપ તરફથી બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 4 રાજ્યોમાં નવા અધ્યક્ષની નિમણૂકો પર અંતિમ મહોર મારી દીધી છે અને તે તાત્કાલિક અસરથી લાગુ પડશે. લોકસભા ચૂંટણી ને લઇને ભાજપ એ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે, ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષ એ કામગીરી પણ શરુ કરી છે, ભાજપ કોઇ પણ પ્રકારનો ચાન્સ લેવા માગંતો નથી,

ભાજપે ઝારખંડમાં બાબુલાલ મરાંડીને મોટી જવાબદારી સોંપી

ઝારખંડની વાત કરીએ તો ભાજપે ત્યાં બાબુલાલ મરાંડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બાબુલાલ મરાંડી આદિવાસી સમાજમાંથી આવે છે અને તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. બાબુલાલ મરાંડીને ભાજપે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને હવે ફરી એકવાર 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને બાબુલાલ મરાંડીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ઝારખંડમાં આદિવાસી મતો પર નજર

ઉલ્લેખનિય છે કે, બાબુલાલ મરાંડી થોડા સમય માટે ભાજપમાંથી બહાર રહ્યા હતા. પરંતુ તેઓ ફરીથી ભાજપમાં આવી ગયા છે અને ભાજપે તેમને પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. બાબુલાલ મરાંડી શ્રેષ્ઠ સંગઠનાત્મક ક્ષમતા ધરાવતા વ્યક્તિ તેમજ ભાજપનો આદિવાસી ચહેરો છે. ભાજપને આશા છે કે આ કારણે લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવી સરળ બનશે, સાથે જ તેમને રાજ્યમાં ફરી એકવાર સત્તા પર કબજો મેળવવાની પણ તક મળશે.

સંજય બંડીને કેન્દ્રમાં મંત્રી બનાવવાની અટકળો

બીજી તરફ તેલંગાણાની વાત કરીએ તો ભાજપે કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિશન રેડ્ડી યુવા મોરચાના સમયથી પક્ષ સાથે સંકળાયેલા છે અને 3 વખત સંયુક્ત આંધ્ર પ્રદેશના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જી કિશન રેડ્ડીને બંડી સંજયના સ્થાને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે સંજય બંડીને કેન્દ્રમાં મંત્રી બનવાની તક મળી શકે છે.

એનટી આરની વિરાસત ભાજપની સાથે

આંધ્રપ્રદેશમાં ભાજપ અધ્યક્ષ તરીકે ડી.પુરંદેશ્વરીને જવાબદારી સોંપાઈ છે. ડી પુરંદેશ્વરી ભાજપના સંગઠન મહાસચિવ છે. પુરંદેશ્વરી આંધ્રપ્રદેશની રાજનીતિનો પણ મજબૂત ચહેરો અને NTRની પુત્રી પણ છે. પુરંદેશ્વરીને રાજ્યની જવાબદારી આપીને પાર્ટી એવો સંદેશ આપવા માંગે છે કે, NTRનો વારસો ભાજપ સાથે છે. ઉપરાંત ભાજપે ડી પુરંદેશ્વરીની મહાસચિવ તરીકે સંગઠનાત્મક ક્ષમતા પણ ધ્યાને લીધી છે.

પંજાબમાં દબદબો ઉભો કરવા સુનિલ જાખરને સોંપાઈ જવાબદારી

ભાજપે પંજાબમાં સુનિલ જાખરને નવા અધ્યક્ષની જવાબદારી સોંપી છે. ભાજપ સુનીલ જાખડ દ્વારા પંજાબમાં પોતાનો દબદબો ઉભો કરવા માંગે છે. અકાલી દળ સાથે ગઠબંધન તોડ્યા બાદ ભાજપ આ કવાયતમાં લાગી ગયું હતું અને ભાજપ સુનીલ જાખડની આગેવાની હેઠળ પંજાબમાં પોતાનો જનાધાર વિસ્તારવા માંગે છે. જાખડ રાજકીય અને સંગઠનાત્મક એમ બંને બાબતોનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે