બનાવટી દવાના કૌભાંડમાં આરોપીઓના સૌથી મોટા ખુલાસા; મેડિકલ સ્ટોર જ નહીં, ડોક્ટર્સની પણ સંડોવણી

0
42
બનાવટી દવા
બનાવટી દવા

ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ઇસનપુર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં હતી. જોકે આરોપીઓની પૂછપરછમાં હવે વધુ ખુલાસાઓ થયા છે અને આ બનાવટી દવાના તાર હવે મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટર સુધી પહોંચ્યા છે. જોઈએ શું છે બનાવટી દવાના કૌભાંડમાં નવા ખુલાસાઓ..

વિપુલ દેગરાની પુછપરછમાં વધુ ખુલાસાઓ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નકલી દવાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવા મળી આવી હતી. આ બનાવટી દવાઓ વેચતા લોકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. જોકે વિપુલ દેગરાની પુછપરછમાં વધુ ખુલાસાઓ થયા છે અને પોલીસે સમગ્ર કેસમાં વધુ એક મેડિકલ સ્ટોરમાં માલિકની પણ ધરપકડ કરી છે.

ડુપ્લીકેટ દવાના 99 જેટલા બોક્સ મળ્યા
ઇસનપુર પોલીસે સમગ્ર કેસમાં અગાઉ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ખિમારામ સોદારામ નામના વ્યક્તિ પાસેથી ડુપ્લીકેટ દવાના 99 જેટલા બોક્સ મળી આવ્યા હતા. ખિમારામ સોદારામની પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો વટવાના અરુણ રાજેંદ્રસિંહ અમેરા પાસેથી લીધી હતી. અરુણ કુમાર રાજેન્દ્રસિંહ અમેરાની પૂછપરછ કરતા તેઓએ આ નકલી દવાનો જથ્થો ઇસનપુર વિપુલ દેગડા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું ત્યારે વિપુલ દેગડા પાસેથી જુદી જુદી પાંચ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ પણ મળી આવી છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓ નો જથ્થો દર્શન વ્યાસ પાસેથી લીધી હોવાની કબૂલાત કરી હતી. 

બનાવટી દવાઓ ડોક્ટરોને વહેંચી હોવાનો ખુલાસો
જોકે વિપુલ દેગરાની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું અને જેના આધારે પોલીસે વિશાલ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે. વિશાલ મકવાણા નારોલ વિસ્તારમાં મૂન મેડિકલ સ્ટોર નો માલિક છે અને વિશાલ મકવાણાએ પણ આ બનાવટી દવાઓ અન્ય મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરોને વહેંચી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે વિશાલ મકવાણા ફાર્મસીસ્ટ નું લાયસન્સ પણ ધરાવતો નથી. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે વિશાલ મકવાણાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

બનાવટી દવા હિમાચલપ્રદેશમાં બનતી હતી
મહત્વનું છે કે ખીમારામ સોદારામ પાસેથી જે દવાઓ મળી આવી છે તેની પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલપ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું હતું. જોકે હિમાચલ પ્રદેશમાં આ બાબતે તપાસ કરતા આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી અને કોઈ કંપની પણ અસ્તિત્વ ન હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ વિપુલ દેગડા ના મોબાઇલની તપાસ કરતા તેણે આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડિકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. 

10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત
જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નડિયાદ, સુરત, અમદાવાદ, રાજકોટ માં દરોડા પાડી આશરે રૂપિયા 10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યાંથી આ બનાવટી દવાઓનો જથ્થો મળ્યો છે તેમાં અમુક બેનામી કંપનીઓના એમ.આર તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોંચાડતા હતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તો ઇસનપુર પોલીસે મેડિકલ સ્ટોર નાં માલિકની ધરપકડ કરી છે અને હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દવાઓ કયા કયા ડોક્ટર અને મેડિકલ સ્ટોર સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર કેસમાં વધુ ખુલાસાઓ થાય તો નવાઈ નહીં


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.