Aravalli Case:પર્યાવરણપ્રેમીઓની જીત! અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો અગાઉના આદેશ પર બ્રેક

0
90
Aravalli Case
Aravalli Case

Aravalli Case:અરવલ્લી પર્વતમાળા સંબંધિત મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો વળાંક લીધો છે. કોર્ટે પોતાના જ 20 નવેમ્બરના અગાઉના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ સાથે વિશેષજ્ઞ સમિતિની તમામ ભલામણો અને તેના આધારે કરાયેલી ટિપ્પણીઓને પણ આગામી આદેશ સુધી સ્થગિત રાખવામાં આવી છે.

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી જેવી તમામ સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે.

Aravalli Case

Aravalli Case:શા માટે લાગ્યો સ્ટે?

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ અને તેના પર કોર્ટે કરેલી ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રિપોર્ટ અને આદેશને લાગુ કરતા પહેલાં નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. તેથી તમામ ભલામણો પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે.

Aravalli Case:સુપ્રીમ કોર્ટે પૂછેલા 5 મહત્વના પ્રશ્નો

સુપ્રીમ કોર્ટે આ કેસમાં પાંચ મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગીને પ્રશ્નો ઉઠાવ્યા છે:

  1. શું અરવલ્લીની વ્યાખ્યાને મર્યાદિત કરવાથી તેના સંરક્ષણ પર નકારાત્મક અસર પડે છે?
  2. વ્યાખ્યામાં ફેરફારથી ‘બિન-અરવલ્લી’ વિસ્તારોમાં વધારો થયો છે?
  3. બે અરવલ્લી ક્ષેત્રો વચ્ચેના ગેપમાં નિયંત્રિત ખાણકામની મંજૂરી આપવી યોગ્ય છે?
  4. અરવલ્લીની પર્યાવરણીય સતતતા (Ecological Continuity) કેવી રીતે જાળવી શકાય?
  5. હાલના નિયમોમાં ખામી હોય તો શું નવા અને ઊંડા સર્વેક્ષણની જરૂર છે?

Aravalli Case:શું છે સમગ્ર વિવાદ?

Aravalli Case

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ ભલામણ કરી હતી કે 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડોને જ અરવલ્લી પર્વતમાળા ગણવામાં આવે. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આ ભલામણને માન્યતા આપી હતી. ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં વ્યાપક વિરોધ થયો હતો. પર્યાવરણપ્રેમીઓ અને અરવલ્લી બચાવો આંદોલન સાથે જોડાયેલા લોકોમાં ખાણકામ વધવાની આશંકા ઊભી થઈ હતી.

વિરોધ વધતા કેન્દ્ર સરકારે 24 ડિસેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે અરવલ્લી વિસ્તારમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.

પર્યાવરણપ્રેમીઓ માટે રાહત

સુપ્રીમ કોર્ટના હાલના આદેશને પર્યાવરણપ્રેમીઓ અને અરવલ્લી બચાવો આંદોલન માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. હવે 21 જાન્યુઆરીએ થનારી સુનાવણી પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

આ પણ વાંચો :Ahmedabad Crime:  લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીના વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાં