Andhra Pradesh Train Fire: ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનના એસી કોચમાં લાગેલી આગમાં બે ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા, જ્યારે આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયાનું સામે આવ્યું છે.

Andhra Pradesh Train Fire: કેવી રીતે લાગી આગ?
અહેવાલો મુજબ, ટ્રેન અનાકાપલ્લે જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એસી કોચમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાવા લાગી. સ્થિતિની ગંભીરતા સમજીને લોકો પાયલટે તાત્કાલિક ટ્રેન એલામંચિલી સ્ટેશન પર રોકી દીધી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આગ B1, B2 અને M1 કોચ સુધી ફેલાઈ હતી. રેલવે કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને અન્ય કોચને સળગતા ડબ્બાથી અલગ કરી દીધા હતા.
Andhra Pradesh Train Fire: એક મૃતદેહ મળ્યો, ઓળખ બાકી
અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ પુષ્ટિ કરી છે કે બળી ગયેલા કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જોકે મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. બીજી તરફ, રેલવે દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું અને કોઈને ઈજા ન થઈ હોવાનું જણાવાયું છે, જેને કારણે મૃતદેહ મળવાની વાતને લઈને વિરોધાભાસ ઊભો થયો છે.
બચાવ કામગીરી અને તપાસ
પરવાડા ડીએસપી વિષ્ણુ સ્વરૂપ અને NTR ટીમની દેખરેખ હેઠળ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રેલવે દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
મુસાફરોમાં નાસભાગ
ચાલુ ટ્રેનમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા મુસાફરો જીવ બચાવવા પોતાનું સામાન છોડીને ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. રેલવે દ્વારા અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરી અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.




