Anand news:આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત પર જીવલેણ હુમલો થતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરનાર ખેડૂત ભરતભાઈ પઢિયારને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. હાલ ગંભીર રીતે દાઝી ગયેલા ભરતભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
Anand news:22થી 25 ટકા દાઝેલા, હાલ સ્થિતિ નાજુક

આણંદ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ભરતભાઈ અંદાજે 22થી 25 ટકા દાઝેલા છે. ઓક્ટોબર મહિનામાં પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે અરજી મળી હતી, જેમાં ભરતભાઈની સહી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો પ્રાથમિક અહેવાલ TDO તરફથી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Anand news: ‘સરપંચ અને તેના પરિવારજનોએ મને પેટ્રોલ છાંટી સળગાવ્યો’
સયાજી હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે જણાવ્યું કે, ગામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તેમણે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, નિવેદન આપ્યા બાદ સરપંચના પતિ સહિતના લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટનાના દિવસે તેઓ દળણું દળાવવા ગયા હતા, ત્યારે મહિલા સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને એક ભત્રીજો ઈકો કારમાં આવી પહોંચ્યા અને તેમને માર માર્યો.
‘ગામના વચ્ચે લઈ જઈને જીવતો સળગાવવાનો પ્રયાસ’

ભરતભાઈના કહેવા મુજબ, માર મારતા મારતા તેમને ગામની વચ્ચે લઈ જવાયા, જ્યાં મહિલા સરપંચે તેમને પકડી રાખ્યા, નિલેશભાઈએ પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી. દિનેશભાઈએ લાત મારીને તેમને નીચે પાડી દીધા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા.
પાંચ સામે હત્યાના પ્રયાસનો ગુનો
ઘટના બાદ દાઝેલી હાલતમાં ભરતભાઈને પહેલા આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ મામલે આંકલાવ પોલીસે મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે મારામારી અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીઓના નામ
- કોકીલાબેન દિનેશભાઈ ચંદુભાઈ પઢિયાર (મહિલા સરપંચ)
- દિનેશભાઈ ચંદુભાઈ પઢિયાર
- નિલેશભાઈ દિનેશભાઈ પઢિયાર
- રાજેશભાઈ ઉર્ફે પોપટ દિનેશભાઈ પઢિયાર
- અશોકભાઈનો પુત્ર (સરપંચનો ભત્રીજો)




