ગુલ્લીબાજ સફાઈ કામદારો સામે AMC એ લીધું મોટું એક્શન, 53 કર્મચારીઓ સામે કડક પગલા

0
221
એએમસી
એએમસી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 53 જેટલા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી નોકરી ઉપર લાંબા સમયથી ગેરહાજર રહેનારા તેમજ ચાલુ નોકરી દરમિયાન ફરજ પરથી જતા રહેનારા કર્મચારીઓ ની તપાસ કરવામાં આવી હતી, જેમાં સફાઈ કામદારો નોકરી ઉપર ગેરહાજર રહેતા હતા. નોંધીનીય છે કે લાંબા સમયથી નોકરી ઉપર હાજર ન રહેવાના કારણોમાં પ્રેમ પ્રકરણ, પોલીસ કેસ થવાથી ફરાર તથા વ્યાજે પૈસા લીધા બાદ જતા રહેવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ આવે છે. જેમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હતા, જેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી કુલ 25 કર્મચારીઓ નોકરી ઉપર સતત ગેરહાજર રહેતા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેઓને અલગ-અલગ નોટિસ આપવામાં આવતી હતી અને ખુલાસા માંગવામાં આવતા હતા, તેમ છતાં પણ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નહોતો. 

આખરે આ તમામ 25 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરી દરમિયાન ઘરે જતા રહેતા હતા. થોડા દિવસ નોકરી ઉપર ગેરહાજર રહેતા હતા અને ત્યારબાદ ફરી નોકરી ઉપર હાજર રહેતા હતા. આ રીતે નોકરીમાં અવારનવાર ગેરહાજરી હોવાને લઈને પણ 28 જેટલા કર્મચારીઓના ઇજાફા પણ રોકવામાં આવ્યા છે. 

આ વિશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણે જણાવ્યું હતું કે, સફાઈ કામદારો અવારનવાર ગેરહાજર રહેતા હતા તેમજ લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા. તે અંગે તમામ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે કુલ 53 જેટલા કર્મચારીઓ સામે પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હજી પણ 36 જેટલા કર્મચારીઓની તપાસ ચાલુ છે અને તેઓને છેલ્લી શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ખાતાકીય તપાસ બાદ જો તેઓ કસૂરવાર જણાશે તો તેમની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. મહત્વનુ છે કે ભૂતકાળમાં પણ આવે ઘણા કિસ્સાઓમાં તંત્ર દ્વારા અનિયમીત રહેતા સફાઇકર્મીઓ સામે ખાતાકીય પગલા લેવામાં આવી ચૂક્યા છે