Ambaji Temple Sees Huge Crowds: બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. મહામેળાના છેલ્લા દિવસે પણ મા અંબાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિર પરિસર સહિત સમગ્ર યાત્રાધામમાં ભક્તિમય માહોલ છવાયો છે.
મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માઈભક્તો માથે ગરબો લઈને ભક્તિમાં ઝૂમતા જોવા મળ્યા હતા. ચારે તરફ ‘જય અંબે’ના જયઘોષથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું હતું.
Ambaji Temple Sees Huge Crowds: હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ચડાવી ધજા

ભાદરવી પૂનમના અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા હતા. તેમણે હાથમાં ધજા લઈને મા અંબાના ધામમાં હાજરી આપી હતી. પોલીસ વિભાગ દ્વારા પણ ધજા ચડાવવામાં આવી હતી. આ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
Ambaji Temple Sees Huge Crowds: છ દિવસમાં 38.23 લાખ ભક્તોએ કર્યા દર્શન

મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જ્યારે મહામેળાના પ્રથમ છ દિવસમાં કુલ 38,23,469 ભક્તો દર્શન કરી ચૂક્યા છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતિમ દિવસે આ આંકડો પાર થવાની અને સમગ્ર મહામેળા દરમિયાન આશરે 42થી 45 લાખ ભક્તો અંબાજી પહોંચવાની ધારણા છે.
Ambaji Temple Sees Huge Crowds: ભંડાર કાઉન્ટરમાં છ દિવસમાં રૂ.1.83 કરોડની આવક

ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ.29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક રૂ.1,83,10,515 સુધી પહોંચી છે.
મહામેળા દરમિયાન ભક્તો માટે પ્રસાદની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ્ઠા દિવસે 2,63,657 મોહનથાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસમાં કુલ 28.90 લાખ મોહનથાળના પેકેટ ભક્તોને આપવામાં આવ્યા છે.
3,927 ભક્તો-સંઘોએ ચડાવી ધજા

ભાદરવી મહામેળા દરમિયાન વિવિધ ભક્તો અને સંઘો દ્વારા માતાજીના ધામમાં ધજા ચડાવવાની પરંપરા પણ જળવાઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ 3,927 ભક્તો-સંઘોએ ધજા ચડાવી છે.
અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચતા યાત્રાધામમાં ચારે તરફ ‘જય અંબે’ના નાદ અને ભક્તિના રંગો જોવા મળી રહ્યા છે. મહામેળાના અંતિમ દિવસે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ભીડ વ્યવસ્થાપન તથા સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ચીનથી દૂર થઈ રહ્યા ઈન્ટરનેટ કેબલ રૂટ: હિન્દ મહાસાગરમાં ભારતનું વધ્યું મહત્વ

