Ahmedabad Tragedy: અમદાવાદના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલી નવતાડની પોળમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક એક જૂનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
Ahmedabad Tragedy: ફાયર બ્રિગેડે ત્રણ લોકોને બહાર કાઢ્યા
ફાયર વિભાગની બે ટીમોએ ગણતરીની મિનિટોમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા અને બે પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad Tragedy: મહિલાનું મોત, બે લોકો સારવાર હેઠળ
ધારાસભ્ય કૌશિક જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન પુષ્પાબેન પંચાલ (ઉંમર 62)નું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે એક મજૂર અને અન્ય બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. મકાન ધરાશાયી થતાં AMCના બે મજૂર પણ ઇજાગ્રસ્ત થયા છે.
Ahmedabad Tragedy: ડ્રેનેજ કામગીરીને કારણે મકાન પડ્યું હોવાનો આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદકામ અને ડ્રિલિંગની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન મકાનની પાયાની માટી ખસી જતાં મકાન અચાનક ધરાશાયી થયું છે. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાને AMCની ગંભીર બેદરકારી ગણાવી છે.

જૂના અને જર્જરીત મકાનો અંગે ચિંતા
ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે, કોટ વિસ્તારના મોટા ભાગના મકાનો 100 વર્ષથી વધુ જૂના અને જર્જરીત હાલતમાં છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદોને કારણે રિપેરિંગ થતું નથી. તેમણે કોર્પોરેશનને અપીલ કરી હતી કે, જે મકાન રિપેર કરાવવા માગે તેમને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
પોલીસ અને AMCની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતા દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન, ડીસીપી ઝોન-2 ભરત રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. AMCની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે, જ્યારે પોલીસે સુરક્ષાના પગલાંરૂપે પોળમાં લોકોની અવરજવર બંધ કરી છે.




