Ahmedabad News: અમદાવાદના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં ગણાતા શીલજ–રાંચરડા રોડ પર મોડી રાત્રે નશામાં ધૂત કારચાલકે ભારે આતંક મચાવ્યો હતો. બેફામ ગતિએ દોડતી કાર અચાનક બેકાબૂ બનતા એક પછી એક કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Ahmedabad News: સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કારચાલકનું નામ નિતિન શાહ હોવાનું સામે આવ્યું છે. તે દારૂના નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ટુ-વ્હીલર સાથે અથડાઈ અને ત્યારબાદ પાર્ક કરેલા તથા ચાલતા ફોર-વ્હીલર સહિત કુલ 9 વાહનોને ટક્કર મારી હતી.

Ahmedabad News: સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત સર્જાતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કારચાલકની બેદરકારી અને દાદાગીરીથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ કારચાલકને પકડી રાખ્યો અને તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરી હતી. બાદમાં કારચાલકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
કોઈ જાનહાનિ નહીં, પરંતુ ભારે નુકસાન
આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. કેટલાક વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બન્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

બોપલ પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે કારચાલક નિતિન શાહની અટકાયત કરી છે અને તેની મેડિકલ તપાસ હાથ ધરી છે. દારૂ પીધાની પુષ્ટિ બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ફરી એકવાર નશામાં ડ્રાઈવિંગનો પ્રશ્ન
આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર નશામાં વાહન ચલાવવાના ગંભીર પ્રશ્નને ઉજાગર કર્યો છે. હાઈપ્રોફાઈલ વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બનતી હોવાને કારણે લોકોમાં સલામતી અંગે ચિંતા વધી છે.




