Teachers Recruitment: ઘણા લાંબા સમયથી જે સમાચારની રાહ જોવામાં આવી રહી હતી તેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. શિક્ષકોની કાયમી ભરતીને લઈને આંદોલન કર્યા પછી આખરે ટેટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે પ્રક્રિયા શરુ થશે.
કેબિનેટ બેઠકમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
24700થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ શિક્ષકની અંદાજે 24,700 જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે.
જે અનુસાર, આગામી ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ એ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. રાજ્યની શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ હોય તેમજ શિક્ષણ પ્રત્યે અભિરૂચિ ધરાવતા યોગ્ય ઉમેદવારોને શિક્ષાકાર્યની તક મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ડિસેમ્બર સુધીમાં શિક્ષકોની ભરતી પૂર્ણ થશે
7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે જગ્યા ભરવામાં આવશે. જ્યારે બાકીના 17,200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે. 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. રાજ્યમાં કુલ 42,759 ખાલી જગ્યા માંથી 24,700 પોસ્ટ ભરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી કાર્યવાહી પૂર્ણ થશે. આ ભરતી પ્રકિયા આગળ પણ ચાલુ રહેશે, તેમાં વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે.
Teachers Recruitment: આ ઉમેદવારો અરજી કરી શકશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે આ નિર્ણયો અનુસાર જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.
એટલું જ નહીં વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 18 જૂનના રોજ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માગ સાથે એકઠા થયા હતા અને ભરતીની માંગણી કરી હતી. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો