ADANI : અદાણી હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે SIT ને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો છે. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે સેબીની તપાસ પર કોઈ પણ પ્રકારની શંકા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી કેસમાં સેબીને તપાસ માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 નવેમ્બરના રોજ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

ADANI : અદાણી કેસમાં કોર્ટે કહ્યું કે સેબીની તપાસમાં એફપીઆઈના નિયમોને લગતી કોઈ અનિયમિતતા મળી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સીમિત સત્તાઓ છે જેના આધારે તપાસ કરવામાં આવી છે. સેબીના નિયમનકારી માળખામાં પ્રવેશવાની આ કોર્ટની સત્તા મર્યાદિત છે, એટલે કે, કોર્ટ સેબીના અધિકારક્ષેત્રમાં દખલ કરશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે સેબીના તપાસના નિયમોમાં કોઈ ખામી નથી અને આ કેસની તપાસ સેબીને બદલે એસઆઈટીને સોંપવામાં આવશે નહીં.

ADANI ગ્રૂપ પર શું હતો આરોપ?
24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણી અને તેમના અદાણી જૂથે ખોટી રીતે અદાણી કંપનીઓના શેરોમાં નાણાંનું રોકાણ કર્યું હતું. તેના દ્વારા શેરના ભાવમાં હેરાફેરી કરીને શેરધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પિટિશનરોના વકીલ પ્રશાંત ભૂષણે માગણી કરી હતી કે અદાણી કંપનીઓના શેરમાં કરાયેલા રોકાણની તપાસ સાથે એ પણ જોવામાં આવે કે કોને શું ફાયદો થયો. સેબી યોગ્ય રીતે તપાસ કરી રહી નથી અને આ કેસ SITને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવો જોઈએ.
સત્યની જીત થઈ : ADANI
કોર્ટના આ નિર્ણય બાદ ADANI ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું – ‘કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. જેઓ અમારી સાથે ઉભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસગાથામાં અમારું યોગદાન ચાલુ રહેશે. જય હિંદ.

અત્યાર સુધીમાં કુલ 6 અરજી દાખલ કરવામાં આવી છે
- અરજીમાં મનોહર લાલ શર્માએ ભારતમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ અને એફઆઈઆરની માંગ કરી હતી. આ સાથે આ મામલામાં મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી.
- વિશાલ તિવારીએ નિવૃત્ત SC ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરી હતી. પોતાની અરજીમાં તિવારીએ શેરના ભાવ ઘટવા પર લોકોને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની વાત કરી હતી.
- જયા ઠાકુરે આ મામલે ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અદાણી એન્ટરપ્રાઈઝમાં જાહેર નાણાંના જંગી રોકાણમાં એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકાની તપાસની માંગ કરી હતી.
- મુકેશ કુમારે પોતાની અરજીમાં સેબી, ઈડી, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસેથી તપાસ માટે સૂચનાઓ માંગી હતી. મુકેશ કુમારે આ અરજી પોતાના વકીલો રૂપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા દાખલ કરી હતી.
- બીજી અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં અરજદાર અનામિકા જયસ્વાલે નવી કમિટીની રચના કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સમિતિમાં એવા લોકોને સામેલ કરવા જોઈએ, જેમની છબી નિષ્કલંક છે અને જેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.
- સેબીના રિપોર્ટમાં વિલંબને કારણે વિશાલ તિવારીએ બીજી અરજી દાખલ કરી હતી. જેમાં તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે સેબીને આપવામાં આવેલી સમયમર્યાદા છતાં તે કોર્ટની સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
તમે આ પણ વાંચી શકો છો
HIT AND RUN LAW : સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન! ટ્રક ડ્રાઇવરોને હડતાળ પાછી ખેંચવાની અપીલ