Aadhaar Security Boost:દેશમાં આધાર કાર્ડ સંબંધિત સુરક્ષા અને ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓથોરિટીએ જાહેરાત કરી છે કે દેશભરમાં લગભગ બે કરોડ મૃત વ્યક્તિઓના આધાર નંબર કાયમી રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. UIDAIનું કહેવું છે કે આ કાર્યવાહી છેતરપિંડી અટકાવવા અને આધારના દુરૂપયોગને સંપૂર્ણપણે રોકવા માટે જરૂરી છે.

UIDAI મુજબ, મૃતક વ્યક્તિઓની ઓળખ કરવા માટે ઓથોરિટીએ દેશના અનેક સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કર્યો હતો. તેમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા, રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, બેંકો તેમજ અન્ય સરકારી-ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ વિવિધ ડેટા પોઈન્ટ્સના સમન્વય દ્વારા UIDAI ખાતરી કરી શક્યું કે જે લોકોનું અવસાન થઈ ચૂક્યું છે, તેમના આધાર નંબર કોઈ પાસે સક્રિય ન રહે.
Aadhaar Security Boost:છેતરપિંડી અટકાવવા માટે ડેટાબેઝમાંથી મૃતકના નામ હટાવાયા
UIDAIએ જણાવ્યું કે મૃત વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને ફરી ક્યારેય ફાળવવામાં આવતો નથી, પરંતુ સુરક્ષા માટે આ જૂના નંબર નિષ્ક્રિય કરવું આવશ્યક છે. જો આવા જૂના નંબરો કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે તો સરકારી યોજનાઓમાં ગેરકાયદે લાભ લેવામાં આવવાની અને સબસીડી અથવા લાભોનું દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે.

myAadhaar પોર્ટલ પર ‘મૃત વ્યક્તિની માહિતી આપો’ સુવિધા શરૂ
દેશભરના લોકો સહેલાઈથી મૃતક વ્યક્તિ અંગે UIDAIને જાણ કરી શકે તે માટે ઓથોરિટીએ નવી સુવિધા શરૂ કરી છે. હવે પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત સગાના મૃત્યુની માહિતી અને ડેથ સર્ટિફિકેટ અપલોડ કરીને રિપોર્ટ નોંધાવી શકે છે. હાલ આ સુવિધા 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. માહિતીની પુષ્ટિ થયા બાદ UIDAI તે આધાર નંબર કાયમી રીતે નિષ્ક્રિય કરે છે.
UIDAIએ નાગરિકોને અપીલ કરી છે કે ડેટાબેઝ સુરક્ષિત અને અપડેટ રહે, તે માટે જો કોઈ પરિવારજનોનું અવસાન થાય તો તેમની મૃત્યુની માહિતી તરત જ myAadhaar પોર્ટલ પર નોંધાવી દેવી જોઈએ.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
New Rules: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારાના નવા નિયમો જાહેર




