ભાજપ અને એબીવીપીના યુદ્ધ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના ગળામાં હાડકું ફસાયુ

0
149
એબીવીપી વર્સીસ ભાજપ
એબીવીપી વર્સીસ ભાજપ

 આગામી સમયમાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. હર હંમેશ આ ચૂંટણીમાં એબીવીપી અને ફેડરેશન ઓફ ગુજરાત રાજ્ય કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશન દ્વારા જ પોતાના પ્રતિનિધિઓની પસંદગી ઉતારવામાં આવતી હતી. પરંતુ આ વખતે ભાજપે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં પોતાના છ નામોને મેન્ડેટ આપતાં આપતા વિવાદ વકર્યો છે. આ વિવાદ એબીવીપી અને ભાજપ વચ્ચે વકરતા ભાજપે આજે પોતાનું મેન્ડેટ પાછો ખેંચવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે આ ચૂંટણી લડવા માટે કેમિસ્ટ એસોસિશન, એબીવીપી અને ભાજપમાંથી કુલ 60 જેટલા લોકોએ પોતાના નામ દાખલ કરાવ્યા હતા.  આ વર્ષની ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત પોતાના મેન્ડેટ જાહેર કરતા  એબીવીપી અને કેમિસ્ટ એસોસિએશનને ભાજપની આ દરમિયાનગીરી પસંદ આવી ન હતી.

એબીવીપીએ પોતાની પ્રેસનોટમાં ભાજપને બાકાત રાખ્યું
4 સપ્ટેમ્બરે ભાજપ પ્રદેશ કક્ષાએથી છ લોકોના મેન્ડેટની જાહેરાત કરવામાં આવ્યા હતા. જો કે ભાજપનો ચૂંટણીમાં દરમિયાનગિરી એબીવીપીને  માફક ન આવી. 5 મી સપ્ટેમ્બરે એબીવીપીએ પ્રેસનોટ જાહેર કરી પોતે અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશન ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી.

જો કે આ મામલે વિવાદ વકરતા ભાજપે મેન્ડેટ પાછું ખેંચવાની ફરજ પડી
2024 ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ અને એબીવીપી વચ્ચે અંતર ન વધે તે માટે ભાજપે આપેલા મેન્ડેટ પાછું ખેંચવાની ફરજ પડી. ભાજપે આજે જાહેર કરેલી પ્રેસનોટમાં ઉલ્લેખ કર્યો છે કે તે તમામ 6 લોકોના મેન્ડેટ પાછા ખેંચે છે અને આગામી સમયમાં એબીવીપી અને ભાજપ સાથે મળી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.

ભાજપની વિરુદ્ધ ઉભા રહી એબીવીપીનો સાથ આપતાં એસોશિયેશનની મુશ્કેલીઓ વધી
અગાઉ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશને એબીવીપીનો સાથ આપી ભાજપ સામે આંતરિક રીતે બાયો ચડાવી હતી. પણ હવે એબીવીપી અને ભાજપ સાથે રહી ઉમેદવારો ઉતારશે તેવી જાહેરાત હતા એસોસિએશન માટે મુશ્કેલી ઉભી થઇ છે. સામાન્ય રીતે ફાર્માસી કાઉન્સિલમાં 11 સભ્યો હોય છે જેમાંથી 6 સભ્યો ચૂંટણી લડીને આવતા હોય છે. 6 લોકો પોતાની પાર્ટીમાંથી હોય તે માટે હાલ ત્રણેય ગ્રુપ એડી ચોંટીનો જોર લગાવી રહી છે.