Ramayana Beats Dhurandhar 2: ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સામેલ રણબીર કપૂર અને યશ સ્ટારર ‘રામાયણ’એ બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા મેળવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફિલ્મે રિલીઝના માત્ર 14 દિવસમાં વિશ્વભરમાં ₹1,519.05 કરોડનું ગ્રોસ કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે ફિલ્મે રણવીર સિંહની ‘ધુરંધર-2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ ‘ધુરંધર-2’એ 16 દિવસમાં વિશ્વભરમાં ₹1,500 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. હવે ‘રામાયણ’એ આ સિદ્ધિ બે દિવસ વહેલી મેળવી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને યશની હાજરી ઉપરાંત ભવ્ય નિર્માણ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને પૌરાણિક કથાની રજૂઆતને કારણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Ramayana Beats Dhurandhar 2: ભારતમાં ₹1,000 કરોડનું ગ્રોસ કલેક્શન

બોક્સ ઓફિસના આંકડા અનુસાર, ‘રામાયણ’નું ભારતમાં ગ્રોસ કલેક્શન ₹1,009.05 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે તે ભારતીય બોક્સ ઓફિસ પર ₹1,000 કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી છઠ્ઠી ફિલ્મ બની છે. જ્યારે હિન્દી ફિલ્મોની યાદીમાં આ સિદ્ધિ મેળવનારી ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં ‘ધુરંધર’, ‘ધુરંધર-2’, ‘બાહુબલી-2’, ‘KGF-2’ અને ‘પુષ્પા-2’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે 14મા દિવસે ભારતમાં ₹23.20 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. અત્યાર સુધીનું ભારતીય નેટ કલેક્શન ₹844.40 કરોડ નોંધાયું છે.
Ramayana Beats Dhurandhar 2: હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી
‘રામાયણ’ની કમાણીમાં હિન્દી ભાષાનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ફિલ્મના કુલ ભારતીય નેટ કલેક્શનમાં હિન્દી ભાષાનો હિસ્સો ₹643.50 કરોડ એટલે કે આશરે 76.2 ટકા રહ્યો છે. જ્યારે કન્નડ ભાષામાંથી ₹68.75 કરોડ, તેલુગુમાંથી ₹53.70 કરોડ, તમિલમાંથી ₹39.65 કરોડ અને મલયાલમમાંથી ₹38.80 કરોડની કમાણી થઈ છે. બીજી તરફ, ફિલ્મે વિદેશી બજારમાંથી પણ આશરે ₹510 કરોડનું કલેક્શન કર્યું છે. આ પ્રદર્શનના આધારે ‘રામાયણ’ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં તે ‘દંગલ’, ‘ધુરંધર-2’, ‘બાહુબલી-2’ અને ‘પુષ્પા-2’થી પાછળ છે.
Ramayana Beats Dhurandhar 2: ₹2,000 કરોડનું બજેટ, હિટ થવા માટે ₹2,800 કરોડનું લક્ષ્ય

ફિલ્મની જંગી કમાણી છતાં તેની સફળતાનું અંતિમ ગણિત બજેટ અને વિતરકોના હિસ્સા પર આધારિત રહેશે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર, કોઈ ફિલ્મ હિટ છે કે ફ્લોપ તેનો નિર્ણય માત્ર બોક્સ ઓફિસના કુલ કલેક્શનથી થતો નથી, પરંતુ ડિસ્ટ્રિબ્યુટર શેર પણ મહત્વનો હોય છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ આશરે ₹2,000 કરોડ હોવાનું નિર્માતાઓએ કોર્ટમાં જણાવ્યું છે. આ બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મને હિટ ગણાવવા માટે હિન્દી વર્ઝનમાં ઓછામાં ઓછા ₹1,100 કરોડ અને વિશ્વભરમાં આશરે ₹2,800 કરોડનું કલેક્શન કરવાનું લક્ષ્ય હોવાનું નિષ્ણાતે જણાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ‘રામાયણ’ પોતાની કમાણીનો આ ગ્રાફ કેટલો આગળ લઈ જાય છે અને ભારતીય સિનેમાના બોક્સ ઓફિસના બીજા કયા રેકોર્ડ તોડે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: GTA 6નો ક્રેઝ દુનિયાભરમાં છવાયો: 13 વર્ષની રાહ બાદ ગેમ લોન્ચ, ભારતીય કંપનીએ કર્મચારીઓને આપી રજા; સોશિયલ મીડિયા પર નિર્ણયની પ્રશંસા

