India vs Japan: ભારતીય ક્રિકેટ ટીમે જાપાન સામે રમાયેલી ફ્રેન્ડલી T20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થયા બાદ મુકાબલો માત્ર 5-5 ઓવરનો કરવામાં આવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 32 રન બનાવ્યા હતા. જવાબમાં જાપાનની ટીમ 30 રન સુધી પહોંચી શકી અને ભારતે 2 રને મેચ જીતી લીધી.
India vs Japan: છેલ્લી ઓવરમાં જાપાનને 8 રનની જરૂર હતી

જાપાનને જીત માટે છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. ભારતીય બોલિંગ સામે જાપાની બેટર્સ જરૂરી રન બનાવી શક્યા નહીં. અંતિમ બોલ પર પણ જાપાનને બાઉન્ડરીની જરૂર હતી, પરંતુ એલેક્સ શિરાઈ-પેટમોર ચોગ્ગો ફટકારી શક્યો નહીં. જાપાનને બાઈનો એક રન મળ્યો, પરંતુ ભારતે મેચ પોતાના નામે કરી લીધી.
India vs Japan: શ્રેયસ અય્યર ભારત તરફથી ટોપ સ્કોરર

ભારત તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 16 રન બનાવ્યા. અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. સંજુ સેમસને 9 અને ઈશાન કિશને 3 રન બનાવ્યા.
વરસાદને કારણે મેચના ઓવરો ઘટાડવામાં આવ્યા હોવાથી બંને ટીમના બેટર્સને ખૂબ જ ઓછા બોલમાં ઝડપી રન બનાવવાની ફરજ પડી હતી.
India vs Japan: વોશિંગ્ટન સુંદરની અસરકારક બોલિંગ

ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી અને જાપાનના રનચેઝ પર દબાણ બનાવ્યું. કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ 12 બોલમાં 12 રન બનાવીને સુંદરના બોલ પર આઉટ થયો હતો.
જાપાનની શરૂઆત પણ સારી રહી નહોતી. લચલાન યામામોટો-લેક માત્ર 1 રન બનાવીને રનઆઉટ થયો હતો.
India vs Japan: વરસાદે મેચની શરૂઆતમાં વિલંબ કર્યો
સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદના કારણે મેચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. મેદાન ભીનું હોવાથી અમ્પાયર્સે અનેક વખત પીચ અને આઉટફિલ્ડનું નિરીક્ષણ કર્યું હતું. આખરે સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેચને 5-5 ઓવરની કરવામાં આવી.
ભારત-જાપાન વચ્ચે ઐતિહાસિક મુકાબલો

આ મેચ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કરવામાં આવી હતી. મેન્સ ક્રિકેટમાં ભારત અને જાપાન વચ્ચેનો આ ખાસ મુકાબલો રહ્યો.
ભારત માટે આ મેચ એશિયન ગેમ્સ પહેલાંની તૈયારી તરીકે પણ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરવાની છે.
જાપાનમાં ક્રિકેટનો જૂનો ઇતિહાસ
જાપાનમાં ક્રિકેટનો ઇતિહાસ 19મી સદી સુધી જાય છે. 1863માં યોકોહામામાં બ્રિટિશ વેપારીઓ અને રોયલ નેવી સાથે જોડાયેલા લોકો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હોવાનો ઉલ્લેખ મળે છે.
આજના મુકાબલાથી જાપાનમાં ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળવાની આશા છે. ભારત જેવી મોટી ક્રિકેટ ટીમ સામે રમવાનો અનુભવ જાપાની ખેલાડીઓ માટે પણ મહત્વપૂર્ણ રહ્યો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

