BRICS Gala Dinner: નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ૧૮મા બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે વિશ્વભરમાંથી આવેલા મહાનુભાવો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ નેતાઓ અને વિદેશી પ્રતિનિધિઓના સન્માનમાં યોજાયેલા આ ભવ્ય રાત્રિભોજનમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાગત ભોજનકળાની ઝલક જોવા મળી હતી.
BRICS Gala Dinner: સ્ટાર્ટરમાં ગુજરાતથી પર્વતીય સ્વાદ સુધી

ગાલા ડિનરની શરૂઆત ખાસ ભારતીય વાનગીઓથી કરવામાં આવી હતી. સ્ટાર્ટરમાં ગુજરાતની જાણીતી ખાંડવીને આધુનિક અંદાજમાં કેસર-કેરી, માઇક્રોગ્રીન્સ અને યોગર્ટ ડ્રેસિંગ સાથે રજૂ કરવામાં આવી હતી. સાથે જ મશરૂમમાંથી તૈયાર કરાયેલા ખુંબ ગલૌટી કબાબ અને શીરમાલ બ્રેડ પણ પીરસવામાં આવ્યા હતા.
BRICS Gala Dinner: મુખ્ય ભોજનમાં ભારતની વિવિધતા
મુખ્ય ભોજનમાં ભારતના અલગ-અલગ પ્રદેશોના સ્વાદનો સંગમ જોવા મળ્યો હતો. પનીર લબાબદાર સાથે હિમાલયી ગુચ્છી મશરૂમ, દક્ષિણ ભારતીય કેરટ-બીન પોરિયલ અને થક્કાલી બેલે સારુ જેવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભારતના પોષક અનાજને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે મિલેટ પુલાવ પીરસવામાં આવ્યો હતો. બીટરુટ રાયતું અને વિવિધ પ્રકારની ભારતીય રોટલીઓએ પણ મેનૂમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.

BRICS Gala Dinner: જલેબી અને ફિરનીથી મીઠી થઈ સાંજ
ડિનરના અંતે ભારતીય મિષ્ઠાનથી મહેમાનોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ફ્રૂટ ક્રીમ સાથે કરકરી જલેબી ઉપરાંત ગોલ્ડ લીફથી સજાવેલી શેતૂરની ફિરની પીરસવામાં આવી હતી.
આ ગાલા ડિનર માત્ર ભોજન પૂરતું મર્યાદિત રહ્યું નહોતું, પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ, વિવિધ રાજ્યોની પાકકળા અને ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટ્સના મહત્વને વૈશ્વિક મહેમાનો સમક્ષ રજૂ કરવાનું એક વિશેષ માધ્યમ બન્યું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:પ્રમુખ દિલીપ તિર્કીએ સત્તા સ્થગિત કરી, આઠ મુદ્દે શો-કોઝ નોટિસ; ચાર અઠવાડિયામાં પુરાવા સાથે લેખિત જવાબ માંગ્યો

