BRICS Summit 2026: ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી 18મી BRICS સમિટમાં વૈશ્વિક સ્તરે ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા તણાવ અને સભ્ય દેશો વચ્ચેના મતભેદો વચ્ચે તમામ દેશોની સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણા’ (New Delhi Declaration) મંજૂર કરવામાં આવી છે. આ ઘોષણાપત્રમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને સરહદ પારના આતંકવાદ, ટેરર ફંડિંગ તેમજ આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનારાઓ વિરુદ્ધ એક થઈને કડક પગલાં ભરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે.

BRICS Summit 2026: આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’નું સંયુક્ત વલણ
BRICSના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ સ્વરૂપ કે હેતુ હેઠળ થતા આતંકવાદને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોતના સંદર્ભ સાથે સભ્ય દેશોએ સહિયારી લડાઈ પર ભાર મૂક્યો હતો. ઘોષણાપત્રમાં જણાવાયું કે:
- આતંકવાદને કોઈ ચોક્કસ ધર્મ, રાષ્ટ્રીયતા કે સમુદાય સાથે સાંકળવો અયોગ્ય છે.
- આતંકવાદીઓ સુધી પહોંચતી નાણાકીય સહાય (ટેરર ફંડિંગ) અટકાવવી અનિવાર્ય છે.
- આતંકવાદી સંગઠનોને આશરો આપનારા દેશો સામે સામૂહિક કાર્યવાહી થવી જોઈએ.
- સંયુક્ત રાષ્ટ્ર (UN)ની પ્રસ્તાવિત વ્યાપક આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સંધિ (CCIT) વહેલી તકે અમલમાં મૂકવી જોઈએ.

BRICS Summit 2026: ભારતની કૂટનીતિ: મતભેદો વચ્ચે સર્વસંમતિ
પશ્ચિમ એશિયાના તણાવને કારણે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મતભેદો હોવા છતાં ભારતે મધ્યસ્થી અને રચનાત્મક સંવાદ દ્વારા સર્વસંમતિ સાધી હતી. સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. પજશકિયાને જણાવ્યું કે મિડલ ઈસ્ટને બહારની કોઈ શક્તિની ‘પોલીસિંગ’ની જરૂર નથી અને પ્રાદેશિક સુરક્ષા સ્થાનિક દેશોએ જ સંભાળવી જોઈએ.

BRICS Summit 2026: PM મોદીનું સંબોધન: ગ્લોબલ સાઉથ અને સંસ્થાગત સુધારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધતા જણાવ્યું કે બદલાતા વિશ્વને જૂની વૈશ્વિક સંસ્થાઓના ભરોસે ન ચલાવી શકાય; તેમાં વ્યાપક સુધારા જરૂરી છે. તેમણે આગામી 20 વર્ષનો રોડમેપ રજૂ કરતા AI, સાયબર સ્પેસ અને સ્પેસ જેવા ક્ષેત્રોના નિયમો ઘડવામાં ગ્લોબલ સાઉથની સમાન ભાગીદારીની માગ કરી હતી. આ ઉપરાંત, તેમણે દરિયામાં મુશ્કેલીમાં મુકાતા નાવિકો માટે આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી નેટવર્ક ઊભું કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
BRICS Summit 2026: શી જિનપિંગનું સ્વાગત અને દ્વિપક્ષીય બેઠકો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા હતા. PM મોદીએ ભારત મંડપમમાં તેમનું સ્વાગત કર્યું અને રામેશ્વરમના ઐતિહાસિક રામનાથસ્વામી મંદિરના મહત્વ વિશે જણાવ્યું. સમિટમાં રશિયન પ્રમુખ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સહિત WHOના વડા ટેડ્રોસ ઘેબ્રેયસસે પણ ખાસ ડિનરમાં હાજરી આપી હતી.
BRICS Summit 2026: ચલણ અંગે સ્પષ્ટતા
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે BRICS દેશોનું કોઈ સમાન ચલણ (Common Currency) લાવવાની કોઈ યોજના નથી. તેના બદલે વેપાર ખર્ચ ઘટાડવા માટે સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વ્યવહારો વધારવા પર કામ ચાલુ રહેશે, જે વૈશ્વિક ચુકવણી વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવશે.
નવી દિલ્હી ઘોષણાએ વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે ભારતની રણનીતિ અને વિકાસશીલ દેશોના હિતોનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ચાર વરસાદી સિસ્ટમ સક્રિય : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

