Xi Jinping’s India Tour: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગામી ભારત પ્રવાસને પગલે દેશની રાજધાની નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઇલ મુલાકાતને લઈને ભારતીય સુરક્ષા દળો અને ચીનની વિશેષ સિક્યોરિટી એજન્સીઓ વચ્ચે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને રાષ્ટ્રપતિના રોકાણ સ્થળ સુધી સમગ્ર દિલ્હીને સુરક્ષાના બહુસ્તરીય કવચથી ઘેરી લેવામાં આવ્યું છે.
Xi Jinping’s India Tour: અભેદ્ય કિલ્લા સમાન બુલેટપ્રૂફ ‘હોંગકી N701’ લિમોઝિન સાથે પ્રવાસ
શી જિનપિંગ તેમના કાફલા માટે પોતાની ખાસ અત્યાધુનિક બુલેટપ્રૂફ ‘હોંગકી N701’ (Hongqi N701) લિમોઝિન કાર સાથે ભારત આવી રહ્યા છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ લક્ઝરી કાર માત્ર સામાન્ય ગોળીબાર જ નહીં, પરંતુ ભારે બોમ્બ વિસ્ફોટો અને ખતરનાક રાસાયણિક હુમલાઓ સામે પણ સુરક્ષા આપવા સક્ષમ છે. આ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવા માટે તેમના સત્તાવાર કાફલાના અન્ય વાહનો પણ ખાસ ચીનથી લાવવામાં આવ્યા છે.
Xi Jinping’s India Tour: ચીનની વિશેષ સુરક્ષા ટુકડી દિલ્હીમાં સક્રિય
જિનપિંગની પર્સનલ સિક્યોરિટી માટે ચીનથી ઉચ્ચ તાલીમબદ્ધ કમાન્ડોની ટીમ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ટુકડીમાં વિશેષ સુરક્ષાકર્મીઓ ઉપરાંત હાઈ-ટેક સંચાર નિષ્ણાતો, સ્પેશિયલ મેડિકલ ટીમ તેમજ અત્યાધુનિક બોમ્બ સ્ક્વોડ સામેલ છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે જિનપિંગ જે હોટલમાં રોકાવાના છે, તેના તમામ કર્મચારીઓની ગુપ્તચર એજન્સીઓ દ્વારા વિસ્તૃત પૃષ્ઠભૂમિ તપાસ (Background Check) કરવામાં આવી રહી છે.
Xi Jinping’s India Tour: દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હાઈ એલર્ટ પર
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સતત તકેદારી રાખી રહી છે. રાષ્ટ્રપતિના તમામ સંભવિત રૂટ પર હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરાનું નેટવર્ક ગોઠવી દેવાયું છે, જ્યારે આકાશમાંથી કોઈ પણ પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે સમગ્ર વિસ્તારમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સંયુક્ત કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર ક્ષણે-ક્ષણની નજર રાખી રહી છે.

