Middle East Escalation: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો હુમલો થયો છે. દેશની લાઈફલાઈન ગણાતી ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ સાથે સંકળાયેલા પમ્પિંગ સ્ટેશનો પર ગુરુવારે શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સ્ટેશનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલેથી જ અવરોધાયેલ હોવાથી આ પાઇપલાઇન જ સાઉદીના તેલ નિકાસનો મુખ્ય સહારો હતી, જેથી હવે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની ભારે અછત અને ભાવવધારાનું સંકટ ઊભું થયું છે.

Middle East Escalation: પમ્પિંગ સ્ટેશનો ભડકે બળ્યા, સેટેલાઇટ તસવીરોમાં નુકસાન દેખાયું
હુમલાખોરોએ પાઇપલાઇન સાથે જોડાયેલા મુખ્ય પમ્પિંગ સ્ટેશનોને સીધા નિશાન બનાવ્યા હતા, જે તેલના પ્રવાહને આગળ ધકેલવા માટે અત્યંત જરૂરી છે. સેટેલાઇટ તસવીરો અનુસાર, હુમલા બાદ સ્ટેશનોમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સાઉદી ઉર્જા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં કેટલાક કર્મચારીઓ ઘાયલ થયા છે અને આગ પર કાબૂ મેળવવા તેમજ વાસ્તવિક માળખાકીય નુકસાનનું મૂલ્યાંકન કરવા ટીમો કાર્યરત છે. પાઇપલાઇન ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

Middle East Escalation: હુમલાના તાર ઈરાક સાથે જોડાયા, સાઉદીનો સંયમ
સાઉદી વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ રિયાધ અને મદીના ક્ષેત્રમાં થયેલા આ ડ્રોન હુમલાઓ ઈરાકની સરહદ તરફથી આવ્યા હતા. સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે ઈરાકના વડાપ્રધાનની દરમિયાનગીરી અને વિનંતી બાદ હાલમાં જવાબી લશ્કરી કાર્યવાહી ટાળવામાં આવી છે. સાઉદી પ્રશાસને ઈરાક પાસે પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી કે અસામાજિક તત્વો દ્વારા ત્રીજા દેશ પર હુમલા માટે ન થાય તે માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. બીજી તરફ, ઈરાકી સરકારે પણ આ હુમલાની નિંદા કરી ઊંડાણપૂર્વક તપાસની ખાતરી આપી છે.
Middle East Escalation: હોર્મુઝ બ્લોક થયા બાદ પાઈપલાઈન જ હતી એકમાત્ર આશા
સાઉદી અરેબિયાનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ પૂર્વીય ક્ષેત્રમાં ઉત્પાદિત થાય છે, જે પરંપરાગત રીતે પર્શિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ માર્ગે રવાના કરવામાં આવતું હતું. જોકે, ઈરાન સાથે વધેલા સંઘર્ષ બાદ હોર્મુઝનો માર્ગ બંધ થતાં સાઉદીએ પૂર્વીય પ્રાંતથી પશ્ચિમી તટ પર આવેલા યાનબુ બંદર સુધી તેલ પહોંચાડવા ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનનો પૂરજોશમાં ઉપયોગ શરૂ કર્યો હતો. આ પાઈપલાઈન દ્વારા દૈનિક આશરે 50 લાખ બેરલ તેલ યાનબુ મોકલાતું હતું, જ્યાંથી તે સરળતાથી યુરોપ અને એશિયાના બજારોમાં પહોંચતું હતું. હવે આ વૈકલ્પિક લાઈફલાઈન પણ ઠપ થઈ ગઈ છે.
Middle East Escalation: રેડ સીમાં પણ હુતીઓનું જોખમ: વૈશ્વિક સપ્લાય ચેઈન જોખમમાં
એક તરફ પાઈપલાઈન બંધ થઈ છે, તો બીજી તરફ રેડ સી (લાલ સમુદ્ર)નો શિપિંગ માર્ગ પણ બંધ થવાના આરે છે. યમનના હુતી વિદ્રોહીઓએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટની આસપાસ વ્યૂહાત્મક પેરિમ દ્વીપ સહિત આશરે 5,400 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરવાનો દાવો કર્યો છે. હુતીઓએ સાઉદી અને તેના સાથી દેશોના ટેન્કરોને પસાર થવા સામે ચેતવણી આપી છે. બાબ અલ-મંદેબ અને હોર્મુઝ બંને માર્ગો જોખમમાં મુકાતા વૈશ્વિક અર્થતંત્ર પર ઓઇલ શોકનું સંકટ ઘેરાયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

